રાજા ભૈયાનો છેલ્લો દાવઃ BJPને મિર્ઝાપુર અને પૂર્વાંચલની ઘણી બેઠકો પર નુકસાન વેઠવું પડી શકે તેમ છે
NDAના રાજા ભૈયાએ સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી
લખનૌ, એક તરફ લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં છે ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશનું રાજકારણ વધુ રોમાંચક બની રહ્યું છે. યુપીના રાજકારણમાં પોતાનો મજબૂત પ્રભાવ ધરાવતા પ્રતાપગઢ જિલ્લાના કુંડાના ધારાસભ્ય અને જનસત્તા દળ (ડેમોક્રેટિક)ના મુખિયા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાએ પોતાનો અંતિમ દાવ ખેલ્યો છે
અને તેમણે મિર્ઝાપુર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે રાજા ભૈયાની આ જાહેરાતથી ભારતીય જનતા પાર્ટીને મિર્ઝાપુર બેઠક પર જ નહીં પરંતુ પૂર્વાંચલની ઘણી બેઠકો પર નુકસાન વેઠવું પડી શકે છે. જે બેઠકો પર હવે ભાજપને નુકસાન થઈ શકે છે તેમાં પ્રતાપગઢ, જૌનપુર, મિર્ઝાપુર અને અલ્હાબાદ બેઠકો સામેલ છે.
છેલ્લા કેટલાક દિવસથી NDAના નેતા રાજા ભૈયા પર પ્રહાર કરતા નજર આવી રહ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ અને રામદાસ અઠવાલે સામેલ છે. અનુપ્રિયા પટેલે કૌશાંબી અને પ્રતાપગઢમાં પ્રચાર દરમિયાન રાજા ભૈયા પર પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો કુંડાને પોતાની સંપત્તિ માને છે અને તેમને પાઠ ભણાવવાની આ સુવર્ણ તક છે. ગત બુધવારે રામદાસ અઠવાલેએ અનુપ્રિયા પટેલના નિવેદનને યોગ્ય ઠેરવ્યું હતું અને રાજા ભૈયા પર નિશાન સાધ્યું હતું. આવી સ્થિતિમાં રાજા ભૈયા સામેની ભાષણબાજી ભાજપને મોંઘી પડી શકે તેવી અટકળો વહેતી થઈ હતી અને હવે એ જ થયું.
થોડા અઠવાડિયા પહેલા રાજા ભૈયા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે મુલાકાત થઈ હતી. ત્યારબાદ એવી અટકળોએ જોર પકડ્યું હતું કે, ભાજપને રાજા ભૈયાનું સમર્થન મળી શકે છે. પરંતુ મુલાકાતના થોડા દિવસો બાદ જ રાજા ભૈયાએ પોતાના સમર્થકો વચ્ચે એલાન કરી દીધું હતું કે, તેઓ પોતાના સ્વવિવેકથી ઉમેદવારને મત આપે. રાજા ભૈયાનું સમર્થન મેળવવું એ સમાજવાદી પાર્ટી માટે કોઈ મોટા ફાયદાથી ઓછું નથી.
કારણ કે હવે યુપીની જે ૨૭ બેઠકો પર મતદાન બાકી છે ત્યાં ક્ષત્રિય મતદારોનો દબદબો છે અને રાજા ભૈયા ઠાકુરોના મોટા નેતાઓમાંના એક છે. રાજા ભૈયાની પાર્ટી ભલે એક પણ લોકસભા બેઠક પર ચૂંટણી નથી લડી રહી પરંતુ તેઓ ચૂંટણીની ચર્ચામાં સતત રહ્યા છે અને એ જ તેમની તાકાતનો પરચો કરાવે છે.