ઝઘડિયાના રાજપારડી ખાતે વિજ કચેરીમાં ગ્રામજનોનું હલ્લાબોલ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકામાં આવેલ ઝઘડિયા અને રાજપારડી વીજ કચેરીઓની લાલિયાવાડી ગરમીના અને ચોમાસા ના સમયે સામે આવે છે.સમયસર પ્રિમોનસુન કામગીરી તથા સમયસર વિજ લાઈનો પર પેટ્રોલિંગ અને સમારકામના અભાવે ઉનાળા અને ચોમાસા દરમ્યાન વીજ કંપનીના ગ્રાહકોએ ભારે હાડમારી વેઠવી પડે છે.
ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં ગતરોજ રાત્રે દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપારડીની કેટલીક સોસાયટીના રહીશો રાજપારડી સ્થિત વિજ કચેરી પહોંચી હલ્લાબોલ કર્યો હતો.સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે.જેનું સમરકામ યોગ્ય સમયે કરવામાં આવતું નથી,વધુમાં જણાવ્યું હતું કે વિજ કંપનીના કેટલાક હેલ્પરોફરજ દરમિયાન નશામાં રહે છે એવા ચોકાવનારા આક્ષેપ કર્યા હતા
અને વારંવાર કોલ કરવા છતાં જવાબદાર અધિકારી કર્મચારી ફોન રિસિવ કરતા નથી,તેમજ કોઈ જવાબદાર વ્યક્તિ હોતા નથી એવા પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે વિજ કંપનીની રાજપારડી ઓફિસના એન્જિનિયરની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.હવે જોવું રહ્યું કે નગરજનોના હલ્લાબોલ પછી વિજ કંપનીની રાજપારડી કચેરી આ બાબતે કોઈ યોગ્ય સમારકામ કરે છે કે પછી આવી લાલીયાવાડી ના કારણે ગ્રામજનોને ભર ઉનાળે ગરમીમાં સેકાવાનો વારો આવશે.