Western Times News

Gujarati News

ઝાડા ઉલ્ટીના કેસો નોંધાતા નડિયાદ જિલ્લા કલેકટર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

નડિયાદ ઇન્દિરા નગર-૨ વિસ્તારમાં નોંધાયેલ ઝાડા ઉલ્ટીના કેસો અંગે રોગ અટકાયત અને નિયંત્રણના પગલા લેવાયા-જિલ્લા કલેકટરએ સિવિલ હોસ્પિટલ નડિયાદની મુલાકાત લઈ આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરી

(માહિતી) નડિયાદ, સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે ઇન્દિરા નગર-૨માંથી ઝાડા-ઉલ્ટીના કેસો દાખલ થવા અંગેની જાણ તા. ૧૯/૦૫/૨૦૨૪ ના રોજ જીલ્લા કક્ષાએ થતા જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ઝાડા ઉલટી ના કેસ તથા તે સંબંધિત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

નડિયાદમાં જાડા ઉલટીના કેસો અન્વયે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિત નડિયાદના પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી તેમજ અર્બન હેલ્થ સેન્ટર-૨ મેડીકલ ઓફિસરશ્રી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસો અંગે સઘન સર્વેલન્સ હાથ ધરી આરોગ્ય ટીમો દ્વારા કેસોની શોધખોળ કરી કેસોને સ્થળ પર સારવાર તેમજ અન્ય કેસોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે રીફર કરવાની કામગીરી કરવામાં આવી છે.

આ રોગચાળા અંતર્ગત તા. ૧૯ થી ૨૨ મે, ૨૦૨૪ સુધી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્રની સંકલિત કામગીરી દ્વારા કુલ ૧૧૧ ઝાડા ઉલટીના કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં ૮૫ ઝાડાના કેસો અને ૨૬ ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાયા છે. જે પૈકી હાલ કુલ ૨૪ દર્દીઓ સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે, ૦૨ દર્દીઓ એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતે, ૦૨ દર્દીઓ રાધાસ્વામી હોસ્પીટલ ખાતે તથા એક દર્દી શૈશવ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ ૪૫૦ આર.સી. ટેસ્ટ હાથ ધરતા કુલ ૨૫૪ પોઝીટીવ અને કુલ ૧૯૬ રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. વધુમાં અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ ૮૭૭ કલોરીન ટેબલેટનું વિતરણ, તથા કુલ ૬૩૩ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કુલ ૧૯૦ વ્યક્તિઓ કોન્ટેકટ સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય તથા જિલ્લામાં વધુ ગરમીના કારણે હીટવેવ તેમજ પાણીજન્ય રોગોથી બચવા અંગે માઈક પ્રચાર દ્વારા પ્રચાર પ્રસાર કામગીરી પણ કરવામાં આવી છે.

ઝાડા-ઉલ્ટીના રોગચાળાનાં અસરકારક નિયંત્રણનાં પગલા માટે અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીને અર્બન હેલ્થ સેન્ટર-૨ ના રોગ નિયંત્રણ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ ૨૧ આરોગ્ય ટીમો કાર્યરત કરવામાં આવ્યા છે. જીલ્લા કક્ષાના સુપરવાઈઝરશ્રીઓને પીવાના પાણીના કલોરીનેશન, પાઈપલાઈન લીકેજીસ મોનીટરીંગ તેમજ રોગચાળાને લગતા આનુસાંગિક સુપરવિઝન મોનીટરીંગ કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.