સ્માર્ટ મીટરનો વિવાદ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો
વડોદરા, વડોદરા જિલ્લાના પાદરામાં સ્માર્ટ મીટરની વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પાદરાનગરની સોસાયટી સહિત બિલ ગામ પ્રધાનમંત્રી અર્બન રેસિડન્સી નંબર-૧ના રહીશોએ પાદરા વીજ કંપનીમાં હલ્લાબોલ સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જીઈબી ઓફિસને તાળાબંધી કરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
હાલ પાદરા એમજીવીસીએલ પાદરા સબ ડિવિઝન વિભાગ-૧માં આવતા વિસ્તારમાં હાલ પ્રિ-પેઈડ સ્માર્ટ ર૮૦૦ જેટલા મીટર નાંખવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે અને સ્માર્ટ મીટર નાંખ્યા બાદ વીજ બિલ વધુ આવતું હોવાની બૂમો ઉઠવા પામી છે. જેથી નાગરિકોને પડતી હાલાકીના કારણે સ્માર્ટ મીટરનો વિરોધ વંટોળ વ્યાપ્યો છે.
પાદર પંથકમાં આકાશમાંથી વરસી રહેલ અગ્ન જ્વાળાઓ વચ્ચે ગ્રાહકોનો સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત રહ્યો છે જે પાદરા તાલુકામાં વધતો જાય છે. આજરોજ પાદરાની અંબિકા સોસાયટી તેમજ જાસપુર રોડ પર આવેલ સોસાયટી તેમજ તાજપુરા રોડ પર આવેલ શક્તિ રેસીડન્સીના રહીશોએ વીજ કંપનીમાં રોષ સાથે હંગામો મચાવ્યો હતો અને પાદરા જીઈબી ઓફિસે પહોંચી ઉગ્ર રજૂઆત કરીને સ્માર્ટ મીટરો તાત્કાલિક કાઢી નાંખવાની માંગ કરવામાં આવી હતી.
અગાઉ બે મહિનાનું બિલ ભરવા ૧૦ દિવસનો સમય મળતો હતો હવે દર ૧૦ દિવસે રિચાર્જ કરવાનો વારો ગ્રાહકોને આવી રહ્યો છે જે ગરીબ મધ્યમ વર્ગના લોકોની ક્ષમતા કરતાં વધારે છે. સ્માર્ટ મીટરનો વિરોધ કરવા મહિલાઓ વીજ કચેરી ખાતે પહોંચે ત્યારે એમજીવીસીએલના બાબુઓ હાજર રહેતા નથી અથવા તો કેટલાક મોરચો જોઈને ભાગી જાય છે.
પાદરા જીઈબી ઓફિસે આવેલી રપ૦થી વધુ મહિલાઓએ ભારે હંગામો હલ્લાબોલ કરી જીઈબી ઓફિસને બાણમાં લીધી હતી અને અલગ અલગ રજૂઆતો કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે, અમો ગરીબ વર્ગના છે. લોકોના ઘરે કામ કરી ગુજરાન ચલાવીએ છીએ અને મોબાઈલ જોતા પણ આવડતું નથી તો રિચાર્જ કેમ કરવું ? દર પંદર દિવસે લાઈટ કાપી જાય છે તેમ ઉગ્ર રજૂઆતોમાં જણાવ્યું હતું.
બિલ અર્બન રેસીડન્સી ખાતે રહેતા નીલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અડધી રાત્રે લાઈટો જતી રહે છે. આજે રપ૦થી વધુ લોકો મીટર પરતની માંગ સાથે આવ્યા છે અને રિચાર્જ કર્યા બાદ પણ પ કલાક સુધી વીજ કનેકશન ચાલુ થતું નથી. આજે રપ૦ લોકો આવ્યા છે. એનાથી વધારે લોકો આવી જીઈબીને તાળાબંધી કરીશું અને કોઈને બહાર નીકળવા નહીં દઈએ.