Western Times News

Gujarati News

સનદી અધિકારીઓનું કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન ગુજરાત માટે ખોટનો ધંધો છે?

નવી સરકાર રચાશે ત્યારે ૪-૫ સનદી અધિકારીઓને કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર લઈ જવામાં આવશે.

ગાંધીનગર, ગુજરાત સરકારના સુગમ વહીવટ માટે નિયમ અનુસાર જેટલાં આઈ.એ.એસ. (IAS) અધિકારી હોવા જોઈએ તે કરતાં ૫૮ અધિકારીઓ ઓછા છે. આમાં ૪૩ સીધી ભરતીના અધિકારીઓ અને ૧૫ પ્રમોશનથી સનદી અધિકારી બનનાર અધિકારીઓનો સમાવેશ થાય છે. તેની સામે હાલ સીધી ભરતીના ૮ સનદી અધિકારીઓ સરકારમાં સામેલ થયા છે. Is deputation of civil servants a losing business for Gujarat?

 અને ૧૦ પ્રમોટી સનદી અધિકારીઓ આવશે છતાં અધિકારીઓની અછત તો ઉભી જ રહેશે.એમાં વળી સમાચાર એવા આવ્યાં છે કે તા.૪થી જુન પછી જ્યારે નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ નવી સરકાર રચાશે ત્યારે ફરી પાછા ૪-૫ સનદી અધિકારીઓને કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર લઈ જવામાં આવશે. અગાઉ ૨૦૧૪ અને ૨૦૧૯માં મોદીએ સોગંદ લીધા પછી આવી ઘટના બની હતી.

ગુજરાતના અનેક સનદી અધિકારીઓ પાસે હાલ તેમનાં નિયમિત પોસ્ટિંગ ઉપરાંત એક કે બે વધારાનાં વિભાગના ચાર્જ છે.તેને પરીણામે વહીવટીતંત્રને ખૂબ વેઠવું પડે છે.આ બધા વચ્ચે એક રાજી થવાય તેવા સમાચાર એ પણ આવી રહ્યા છે કે ડેપ્યુટેશન પર ગયેલા(૧)ઃ-કે.શ્રીનિવાસ(૨)ઃ- ડી.થારા(૩)ઃ-ટી.નટરાજન અને (૪)ઃ-જયંતિ રવિ જેવા હોનહાર અધિકારીઓ સંભવતઃ ગુજરાતમાં પાછા આવી રહ્યા છે.આવું થશે તો ગુજરાતને થતું નુકસાન થોડું ઘટશે હોં!

અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેકની ચિંતા બરકરાર છે
ગુજરાત રાજ્યની આઈ.પી.એસ.કેડરની ૧૯૯૦ની બેચના સનદી અધિકારી અને અમદાવાદનાં પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલીક એક એવા પોલીસ અધિકારી છે કે જે નિષ્ઠા અને પ્રમાણિકતાથી પોતાને સોંપાયેલું કામ શાંતિથી કર્યાં કરે છે.

અગાઉ બી.એસ.એફ.ના ડાયરેકટર જનરલ તરીકે પણ તેઓએ નેત્રદીપક કામગીરી કરી હતી.

અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે એકસાથે ૧૫૦૦ પોલીસ કર્મચારીઓની બદલી કરી તમામ પોલીસ સ્ટેશનમાં સાફસુફી કરી હતી.ભ્રષ્ટાચાર દુર કરવા તેઓએ વર્ષોથી એક જગ્યાએ અડ્ડો જમાવીને બેઠેલા પોલીસ કર્મિઓને ફેરવી નાખ્યાં હતાં.

જ્ઞાનેન્દ્રસિંહ મલિક હવે ફરી ઓપરેશન-બદલીનો એક રાઉન્ડ હાથ પર લેવાનાં છે એવું સાંભળ્યું છે.આ વખતે લોકસભાની ચૂંટણીની મતગણતરી પછી મલિક આ કામગીરી હાથ ધરશે.એવુ કહેવાય છે કે મલિકે આ માટે આશરે ૨૦૦૦ પોલીસ કર્મચારીઓની યાદી બનાવી રાખી છે હોં!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોને સાચવે? સાંસદને કે નિયમને?


આપણે ત્યાં કહેવત છે કે “મોભને જ ખીલા વાગે.” આ વાતનો અનુભવ સત્તાનાં સર્વોચ્ચ સ્થાન પર બેઠેલા સૌને થતો હોય છે.આવો અનુભવ હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ થયો.વાત જાણે એમ બની કે તા.૨૨/૦૨/૨૨ના રોજ અમદાવાદનાં સંસદ સભ્ય ડો.કિરીટ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું કે બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતા જાહેર કરીને તેમની તસવીર સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મુકવાની માંગણી કરી.

મુખ્યમંત્રીએ તા.૯/૩/૨૨ના રોજ સોલંકીને જવાબ પાઠવીને જણાવ્યું કે આપનો પત્ર આગળની કાર્યવાહી અર્થે સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવને મોકલી આપું છું.એ પછી આ પત્રો પર શું કાર્યવાહી થઈ એ જાણવા માટે જાણીતા દલિત એક્ટીવીસ્ટ કિરીટ રાઠોડે આર.ટી.આઈ. કરતા જાણવા મળ્યું કે આ પત્રો પર ચાલેલી ફાઈલ પર સામાન્ય વહીવટી વિભાગે નિયમોનુસાર અને અગાઉ કરાયેલા નિર્ણય અનુસાર આ ભલામણ સ્વીકારી શકાય તેમ નથી એવી સ્પષ્ટ નોંધ મુકી.

મુખ્યમંત્રી સમક્ષ ફાઈલ મુકતાં ભૂપેન્દ્ર પટેલે તેનાં પર પણ સહી કરી આપી.આ મુદ્દા ઉપર અગાઉ પણ સને ૧૯૯૮(કેશુભાઈ પટેલ),સને ૨૦૧૨(નરેન્દ્ર મોદી) અને સને ૨૦૨૧(વિજય રૂપાણી)માં આ વિષયની ફાઈલ ચાલી હતી અને તેમાં પણ આ રજુઆત સ્વીકારાઈ નહોતી!એટલે ભૂપેન્દ્ર પટેલે પણ પુરોગામીઓના પગલે સાંસદને સાચવવાને બદલે નિયમને સાચવવાનું વધારે મુનાસીબ માન્યું છે હોં!

સ્માર્ટ મિટર હટાવ આંદોલન’ની સફળતા અનેક સંકેતો આપે છે!
ગુજરાત સરકારના પશ્ર્‌ચિમ ગુજરાત વિજળી કંપની લિમિટેડ ( PGVCL) દ્વારા તેનાં ગ્રાહકોને ત્યાં વડોદરા શહેરમાં નાખવામાં આવી રહેલા સ્માર્ટ મિટર સામે લોકોનો જે સ્વયંભૂ રોષ પ્રગટ થયો અને તેમાંથી ‘સ્માર્ટ મિટર હટાવ’નુ જે આંદોલન પ્રગટ્યું અને એકંદરે સફળ થયું તેમાંથી અનેક સંકેતો મળે છે એવું રાજકીય નિરીક્ષકો માને છે.ક્યા છે આ સંકેતો?

એવાં પ્રશ્નનો જવાબ એવો મળે છે કે (૧)ઃ-ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી જનતાને કરાતા સામુહિક અન્યાય સામે અવાજ ઉઠાવીને થતાં જન આંદોલનો તો લગભગ બંધ થઇ ગયા છે! એ કરૂણ સ્થિતિનો આ આંદોલનથી અંત આવે છે

(૨)ઃ-ભા.જ.પ.ની સરકાર સામાન્ય લોકોને સીધા પ્રશ્નો અંગે બહુ ધ્યાન નહોતી આપતી એ સ્થિતિમાં પણ આ આંદોલનથી પરિવર્તન આવ્યું છે(૩)ઃ-૧૯૨૨મા ભા.જ.પ.ને ૧૫૦થી વધુ બેઠકો મળતાં વિરોધ પક્ષ અને જનતા સાવ મોળાં પડી ગયા હતા ને નિશ્ચેતન થઈ ગયા હતા તે પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.અહીં સંદર્ભ તરીકે એ વાત પણ જોડવી જોઈએ કે ભા.જ.પ.ના નેતાઓની હિંમત પણ ખીલી ગઈ છે અને ખુલ્લીને સરકાર સામે અને પક્ષ સામે રજૂઆતો થવા માંડી છે.આ આંદોલન તેની પણ આ એક આડ અસર હોઈ શકે હોં!

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.