પશ્ચિમ બંગાળમાં ચક્રવાત રેમલે તબાહી મચાવીઃ લેન્ડફોલ 4 કલાક ચાલ્યું
વાવાઝોડાથી સંખ્યાબંધ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી, પાણીમાં ઝૂપડાઓ તણાયાંઃ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવકાર્ય પૂરજોશમાં
નવી દિલ્હી, ખતરનાક ચક્રવાત તોફાન રેમલ રવિવારે રાત્રે ૮.૩૦ કલાકે ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળમાં કેનિંગ અને બાંગ્લાદેશના મોંગલામાં ત્રાટક્યું હતું. લેન્ડફોલ ૪ કલાક સુધી ચાલ્યું હતું. West Bengal after Remal cyclone!
આ સમયગાળા દરમિયાન, ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા, પૂર્વ મેદિનીપુર, દિઘા, કાકદ્વીપ, જયનગર, કોલકાતા, હુગલી અને હાવડાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને વરસાદ થયો હતો.
રાજધાની કોલકાતામાં ૧૦૦થી વધુ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. કોલકાતા અને સુંદરવનમાં બે લોકોના મોત થયા છે.
કોલકાતાના સુભાષ ચંદ્ર બોઝ એરપોર્ટ પર ૨૧ કલાક બાદ ફ્લાઈટ સેવા ફરી શરૂ થઈ છે. તોફાન પહેલા રવિવારે તે બંધ હતું. ૩૯૪ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
કોલકાતામાં રવિવારે સવારે ૮.૩૦ વાગ્યાથી સોમવારે સવારે ૫.૩૦ વાગ્યાની વચ્ચે ૧૪૬ મિમી વરસાદ નોંધાયો હતો. હલ્દિયામાં ૧૧૦ મીમી, તમલુકમાં ૭૦ મીમી અને નિમેથમાં ૭૦ મીમી વરસાદ નોંધાયો હતો.
બાંગ્લાદેશમાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. ઢાકાના સોમોય ટીવી અનુસાર બાંગ્લાદેશમાં તોફાનના કારણે ૭ લોકોનાં મોત થયા છે. સરકારે ૧.૫ કરોડ લોકોના ઘરની વીજળી કાપી નાખી છે.
હવામાન વિભાગ અનુસાર, ગંભીર ચક્રવાત ‘રેમલ’ સોમવારે સવારે નબળું પડીને ચક્રવાતી તોફાનમાં પરિણમ્યું હતું.
હવે તે ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે બંગાળને અડીને આવેલા ત્રિપુરા, આસામ, મેઘાલય અને સિક્કિમમાં તેની અસર જોવા મળશે. જો કે, ત્યાં સુધીમાં તે નબળું પડી ગયું હશે.
તોફાનના કારણે પશ્ચિમ બંગાળ ઉપરાંત ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારોમાં ૨૭ અને ૨૮ મેના રોજ વરસાદ પડશે.
તોફાન આવતા પહેલાં બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ ૧.૧૦ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા હતા. આમાં મોટાભાગના લોકો દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનડીઆરએફની ૧૬ ટીમ દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત છે.
તે જ સમયે, વાવાઝોડાને કારણે, કોલકાતા, ઉત્તર ૨૪ પરગણા સહિત પશ્ચિમ બંગાળના અન્ય શહેરોમાં ભારે વરસાદ અને તોફાન થયું હતું. જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં, જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો.
બચાવકાર્યમાં તૈનાત મ્યુનિસિપલ ટીમ, પોલીસ, એનડીઆરએફની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે તાત્કાલિક વૃક્ષો કાપીને રસ્તો સાફ કરાવ્યો હતો. કોલકાતાને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ૮ લાખ લોકો સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા, આથી વિચારી શકાય કે આ વાવાઝોડું કેટલું ભયાનક હશે. વાવાઝોડાને કારણે બાંગ્લાદેશના સતખીરા અને કોક્સ બજાર વિસ્તારના તટીય જિલ્લાઓમાં દરિયામાં ઊંચા મોજા જોવા મળ્યા હતા.
પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે રાજભવનના રેપિડ એક્શન ફોર્સ સાથે ચક્રવાત ‘રેમાલ’થી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
ગૃહ મંત્રાલયે કહ્યું કે વાવાઝોડાને જોતા એનડીઆરએફની ૧૨ ટીમોને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોકલવામાં આવી છે. ૫ ટીમ સ્ટેન્ડબાય પર છે. આ સિવાય જહાજો અને વિમાનોની સાથે આર્મી, નેવી અને કોસ્ટ ગાર્ડની ટીમો પણ ઈમરજન્સી માટે તૈયાર છે.
લેન્ડફોલ સમયે બંગાળની ખાડીમાં ૧.૫ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.