ક્રાઈમ બ્રાંચના છારાનગરમાં દરોડા ર૦૦ ક્વાર્ટર અને ૩૦ બિયર ટીનનો જથ્થો જપ્ત
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: થર્ટી ફર્સ્ટની રાતને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે શહેરમાં એજન્સીઓની સાથે સાથે સ્થાનિક પોલીસ પણ સક્રિય થઈ છે. જેના પગલે ક્રાઈમ બ્રાંચે છારાનગરમાંથી ઉપરાંત રામોલ પોલીસે પણ બે સ્થળોએથી ઈગ્લીશ દારૂનો મોટો જથ્થો જપ્ત કરી લીધો છે. ક્રાઈમ બ્રાંચની ટીમો હાલમાં બુટલેગરો ઉપર બાજનજર રાખી રહ્યા છે.
ત્યારે બાતમીના આધારે તેમણે છારાનગરમાં આવેલા નટના છાપરામાં આવલ એક મકાનમાં દરોડો પાડ્યો હતો.
રવિવારે સાંજે સાડા સાત વાગ્યે પાડેલા દરોડા દરમ્યાન સુરેશ વનારામ રાજનટ, બબલી રાજનટ અને ભરત ઝાલા નામના ત્રણ શખ્સોની અટક કરીને મકાનમાં બસ્સો નંગ ઈગ્લીશ દારૂના ક્વાર્ટર, ત્રીસ બિયરના ટીન અને દેશી દારૂનો પણ મોટો જથ્થો મળી આવ્યો હતો.
જ્યારે રામોલ પોલીસે રાજીવનગર ટેકરી ખાતે મંદિરની ગલીમાં રહેતા નંદુ ભેરૂલાલ મેઘવાલના ઘરે દરોડો પાડીને ૪૬ બોટલો કબજે કરી હતી. જ્યારે પેટ્રોલીંગ ટીમને બાતમી મળતા. એક્ષપ્રેસ હાઈવે સામે લોખંડના બ્રિજ નીચે વાચ ગોઠવી એક ગાડીમાંથી કુલ ર૦૪ જેટલી ઇગ્લીશ દારૂની બોટલો જપ્ત કરી હતી. જ્યારે ગાડીના ચાલક અમૃત ગૌતમ દરંગા (રાજસ્થાન), આફતાબ શેખ (રામોલ) આરીફખાન પઠાણ (રામોલ અને મોહમ્મદ રઝાક શેખ (જમાલપુર) નામના ચાર શખ્સોની અટક કરી હતી. તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.