અમદાવાદ જિલ્લા કલેક્ટરે ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી
ગુજરાત કોલેજ ખાતે ૮-અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની મતગણતરી માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી
અમદાવાદ, સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અંતર્ગત તારીખ ૪ જૂન, ૨૦૨૪ના રોજ મતગણતરી યોજાનાર છે. ગુજરાત રાજ્યમાં મતગણતરી કેન્દ્રો તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. અમદાવાદ શહેરની બન્ને લોકસભા બેઠકોનાં મતગણતરી કેન્દ્રો તૈયાર કરવાની કામગીરી આખરી તબક્કામાં ચાલી રહી છે.
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે તૈયાર કરાયેલા મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તેમણે મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ નિહાળી આ બાબતે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની ગુજરાત કૉલેજ ખાતે ૮- અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠકની મતગણતરી કરવામાં આવશે, જેમાં અમરાઈવાડી, એલીસબ્રિજ, અસારવા, દાણીલીમડા, દરિયાપુર, જમાલપુર-ખાડિયા અને મણિનગર વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. આ સાતેય મતક્ષેત્રોના મતગણતરી કેન્દ્રો ઉપરાંત પોસ્ટલ બેલેટની ગણતરીનું કેન્દ્ર પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.
આ મુલાકાત દરમિયાન ઝોન-૭ના ડીસીપી શ્રી શિવમ વર્મા, અમદાવાદ જિલ્લા અધિક ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.