AMC પબ્લિસિટી વિભાગના બેફામ ખર્ચ સામે કમિશનરની લાલ આંખ
વિકલી રિવ્યુ બેઠકમાં કમિશનરે પ્રિ-મોન્સૂન એકશન પ્લાન અંગે સઘન ચર્ચા કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિકલી રિવ્યુ બેઠકમાં પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન, પબ્લિસિટી વિભાગના બેફામ ખર્ચ અને ગાર્ડન વિભાગની લાલીયાવાડી મુદ્દે સઘન ચર્ચા કરવામાં આવી હતી.તેમજ કમિશનરે આ મામલે જવાબદાર અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.
મ્યુનિસિપલ કમિશનરે પબ્લિસિટી વિભાગ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે વિભાગ ઘ્વારા વિવિધ કાર્યક્રમ માટે જે મંડપ, લાઈટ, ડેકોરેશન અને સાધનોનો ખર્ચો થાય છે એટલા ખર્ચામાં તો નવા સાધનો આવી જાય તો આટલો ખર્ચ કેવી રીતે કરવામાં આવે છે ? જ્યારે કોઈપણ કાર્યક્રમ માટે જે અંદાજિત ખર્ચ બતાવવામાં આવે છે તેના કરતાં ખર્ચ વધુ થાય છે અને મોટી રકમના બીલો બને છે.
કમિશનરે ત્યારબાદ ગાર્ડન વિભાગની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.ત્રણ મિલિયન મિશન અંતર્ગત વૃક્ષારોપણ કરવાનું છે ત્યારે ગાર્ડન વિભાગના અધિકારીઓનું કોઇપણ પ્રકારનું પ્લાનિંગ નથી અને કોઈ એસઓપી નથી. ઝોન અને વિભાગ વચ્ચે કોઈ સંકલન પણ નથી. જ્યારે કોઈ એક કામ માટે ગાર્ડન વિભાગને કહેવામાં આવે છે તો ઝોન દ્વારા કરવામાં આવે છે અને ઝોનને કહેવામાં આવે તો તેમને કંઈ જ ખબર નથી હોતી જેથી આગામી દિવસોમાં સંકલન કરી અને કામગીરી કરવા જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રિવ્યુ બેઠકમાં શ્રી મોન્સૂન કામગીરીને લઈને ચર્ચા કરી હતી. દરેક વિભાગનાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા દ્વારા પ્રિમોનસુન અંતર્ગત કરવામાં આવતી કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન કર્યું હતું. જોકે પ્રેઝન્ટેશન દરમિયાન દક્ષિણ ઝોન દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી.
કામગીરીના ડેટા અને કેટલા મેઇન હોલ, કેચપીટ તૂટેલી છે હજી સુધી તેની કામગીરી પૂર્ણ થઇ છે કે કેમ તે વગેરે અંગેના યોગ્ય ડેટા રજૂ કરવામાં આવ્યા ન હતા. કમિશનરે પ્રિમોનસુન કામગીરીને લઈને ખૂબ ચર્ચા કરી હતી. જેમાં કેટલીક કામગીરી મામલે તેઓએ કહ્યું હતું કે હું અહીંયાથી સૂચના આપું છું છતાં પણ જે રીતની કામગીરી થવી જોઈએ તે થતી નથી.