પોલીસે વરદીનું સન્માન કરવું જોઇએ, ગુનેગારની જેમ વર્તવું જોઇએ નહીં: હાઇકોર્ટ
નવી દિલ્હી, પોલીસ કોન્સ્ટેબલથી માંડીને એસપી જેવા ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગુનાની ફરિયાદોના વધતા કેસોથી હાઇકોર્ટ ભારે ચિંતિત થઇ છે અને આવા જ એક કેસમાં આઈપીએસ આર.ડી. પટેલની શંકાસ્પદ ભૂમિકાની તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ જસ્ટિસ નિર્ઝર દેસાઇએ કર્યાે છે.
જસ્ટિસ દેસાઇએ પોલીસ વિભાગની આકરી ટીકા અને ભારે ઝાટકણી કાઢતાં ટકોર કરી હતી કે,‘વરદી પહેરનારી વ્યક્તિઓએ તેનું સન્માન કરવું જોઇએ, નહીં કે ગુનેગારોની જેમ વર્તવું જોઇએ. પોલીસ અને એમાંય આઈપીએસ જેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમના હોદ્દાનો દુરુપયોગ કરવો જોઇએ નહીં.
વેકેશન બાદ હાઇકોર્ટની કામગીરી શરૂ થયાના બે દિવસ થયા છે અને એમાં કોન્સ્ટેબલથી માંડીને એસપી જેવા અધિકારીઓ વિરુદ્ધની ફરિયાદો ચોંકાવનારી છે.’
પ્રસ્તુત કેસમાં આંબાવાડીના ફ્‰ટના વેપારીનું ચાર પોલીસ કર્મચારીઓએ અપહરણ કર્યાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં રિટ થઇ છે. જેમાં આઈપીએસ આર.ડી. પટેલની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. કેસની સુનાવણી માટે જસ્ટિસ નિર્ઝર દેસાઇએ એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીનને હાજર રહેવા ફરમાન કર્યું હતું.
સુનાવણી દરમિયાન કોર્ટે વેધક સવાલો અને આકરી ટીકા કરતાં કહ્યું હતું કે,‘શું તમને લાગે છે કે જે વ્યક્તિ વિરુદ્ધ આટલા ગંભીર આક્ષેપો હોય તે જિલ્લાના મુખ્ય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી શકે? તે વગદાર હોદ્દા પર છે અને તે તપાસને લટકાવી રાખી શકે.
શા માટે તેણે ફરિયાદીને કોલ કરીને બોલાવ્યો હતો અને હોદ્દાનો દુરુપયોગ કરીને ફરિયાદીને ધમકાવ્યો હતો? શું આ એનું કામ છે?’ હાઇકોર્ટે સરકારને કહ્યું હતું કે,‘આ મામલે નિષ્પક્ષ અને પારદર્શી તપાસ થાય એ જરૂરી છે. એસપીથી ઉપરના હોદ્દા પર હોય તેવા પોલીસ અધિકારીએ તપાસ અને કેસનું સુપરવિઝન કરે એ જરૂરી છે.
લોકોને એવું ન લાગવું જોઇએ કે કોઇ આઈપીએસ ઓફિસર દબાણ કરીને કોર્ટની આંખો બંધ કરાવી શકે નહીં. કોઇ પણ અધિકારી હોય એની સત્તાનો દુરુપયોગ ન કરી શકે એવો કોર્ટનો ‘લાઉડ એન્ડ ક્લિયર’ મેસેજ છે. આ મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સામેના આક્ષેપોનો છે, તેમ છતાંય કોર્ટ હાલ કોઇ આદેશ કરતી નથી અને રાજ્ય સરકારના ડહાપણ પર છોડે છે કે તેઓ કઇ રીતે તપાસ કરી કાર્યવાહી કરશે.
પોલીસના ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓને તેમના પદનો દુરુપયોગ કરતાં રોકવાની આ આખી કવાયત છે. લોકોની પોલીસ તંત્રમાં વિશ્વાસ અને આસ્થા જળવાઇ રહે એ માટેનો આ પ્રયાસ છે.’ સરકારે ખાતરી આપી હતી કે આ મામલે યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે અને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. તેથી કેસની વધુ સુનાવણી ૧૮મી જૂનના રોજ મુકરર કરવામાં આવી છે.SS1MS