Western Times News

Gujarati News

‘ગર્ભપાત’ ભ્રૂણ હત્યા -જમાનો બદલાયો પણ લોકોના વિચારો એવા જ રહયા

‘ગર્ભપાત’ એ શબ્દજ ભંયકર છે. એને સાંભળતા જ મનમાં એક સવાલ આવી જ જાય છે ગર્ભપાત શા માટે? એની તો શું જરૂર છે? શું આપણે કૂતરા બિલાડા જેવા જાનવરથી પણ ગયા ગુજરેલા છે તે આપણને ગર્ભપાત કરવાની જરૂર પડે? આપણા જેવા શિક્ષિત પ્રાણીઓ આ પાપ કરવાની જરૂર કેમ પડે છે?

ગર્ભપાત વઘારે તો લિંગ પરિક્ષણ કરી ને કન્યાઓની જ થતી હોય છે અને કન્યાની હત્યાનું દુષણ તો પુરાતનકાળથી જ થતું આવ્યુ છે. પેલા પણ દિકરી જન્મે તો લોકો કહેતા પેટે પાણો પાકયો છે અને એની હત્યા કરતા પણ અચકાયા વગર દૂઘપીતી કરી દેતા. કોઈને દિકરી જન્મ લે એ ગમતું નહોતું. જમાનો બદલાયો પણ લોકોના વિચારો એવા જ રહયા છે.

હજી પણ આર્શીવાદ માં આપણે પુત્રવતીભવ જ કહીએ છે. આજે જયારે સ્ત્રી પુરુષની સમકક્ષ અથવા બરોબરી કરીને એના કદમ થી કદમ મિલાવીને ચાલે છે તો આવા ભેદભાવ કેમ? આજે પણ કન્યા જન્મે ત્યારે એટલી ખુશી કેમ થતી નથી અને હજી પણ ઘણે ઠેકાણે એની હત્યા તો થાય જ છે. કન્યા ભુ્રણ હત્યાના ઘણા કારણો છે અને એમાં આપણો સમાજ પણ એટલો જ જીમ્મેદાર છે. હા માન્યું કે હવે જમાનો બદલાય રહયો છે.

શહેરનો શિક્ષિત વર્ગ આમાંથી બાકાત છે. એમને મન દિકરો કે દિકરી કંઈ ફરક પડતો નથી. પણ દૂર ગામડાઓમાં આ દુષણ હજી પણ ચાલુ છે. હવે શહેરના લોકો સમજણા થઈ ગયા છે હવે એમને સંતાનમાં એક દિકરી હોય તો બીજુ સંતાન કરતાં પણ નથી પણ ગર્ભપાત તો થાય છે ગામડું હોય કે શહેર કારણ ગમેતે હોય. ઘણીવાર એક ર્માં એટલી મજબુર હોય છે કે એને એના કલેજાના ટુકડાને પોતાના શરીરથી અલગ કરવો પડે છે. એમાં કદાચ એની કોઈ મજબુરી હશે કે એને એના જ હાડમાંથી બનેલા પોતાના જ સંતાનના ટુકડેટુકડા થતા જોવા પડતાં હશે. ત્યારે એનું મન કેટલું વિચલીત થતું હશે પણ આ કડવો ઘુટ તો એને પીવો જ પડે છે. કદાચિત અંદરથી તૂટી પણ ગઈ હશે.

એના અંતરમાંથી એક અવાજ તો આવતો જ હશે અને કદાચ પોતાના સંતાન સાથે એને મારતા પહેલા વાતો પણ કરતી હશે એને માફી પણ માંગતી હશે ત્યારે એની વ્યથા સાંભળનારું કદાચિત કોઈ હોતું નથી. એનું સંતાન કદાચ એને કહેતું હશે ર્માં આવું ન કર મારે આ દુનિયા જોવી છે. આ દુનિયા ખુબજ સુંદર છે મને જોવા દે અને આ દુનિયા તારી આંખોથી હું જોઈ પણ રહયો છું. મને આ દુનિયામાં આવા દે મારી હત્યા ન કર. ત્યારે પણ એક ર્માં કેટલી વિવશ અને મજબુર હશે એની વ્યથા સાંભળનારું કોઈ નહીં હોય.

સમાજનાં નીતિનીયમોની વિરુઘ્‌ઘ જયારે એક ર્માં બાળકની માતા બને છે ત્યારે એને મળે છે કેવળ તીરસ્કાર, ઘુત્કાર અને ફિટકાર. કેમ? અને તો પ્રેમ કર્યાં હોય છે પણ એને સમજનાર કોઈ હોતું નથી અને એટલેજ કદાચ એ ગર્ભપાત કરાવા તૈયાર પણ થઈ જતી હશે. પોતાના માતાપિતાની આબરૂ બચાવવા અથવા પતિની આજ્ઞાને શિરોમાન્ય ગણીને એ ગર્ભપાત કરાવી પણ લેતી હશે. આમ કરવા જતા એને ૧૦૦ વિંછી કરડયાનો ડંખ પણ લાગતો હશે. પોતાના જ કલેજાના ટુકડાને પોતાનાથી અલગ કરવાની વ્યથા કદાચિત એર્માં પોતે જ જાણતી હશે. હું પોતે પણ ગર્ભપાતની સખત વિરુદ્ધ છું. આના માટે સરકારે કાનૂન હજી પણ સખત બનાવાની જરૂર છે. માન્યુ કે મોજુદા મોદી સરકારે “બેટી બચાવો બેટી પઢાવો” નું અભિયાન ચલાવ્યું છે પણ ગર્ભપાત તો થાય જ છે.

અહીં મને એક વાત યાદ આવે છે જયારે ગર્ભપાત એ કાનૂન ગુનો ગણાતો નહોતો ત્યારની આ વાત છે. એક દંપતી ઘરે કીઘા વગર હોસ્પિટલમાં ગર્ભપાત કરાવા આવ્યા. પત્નીને અઢી મહિનાનો ગર્ભ હતો અને પહેલા પણ એમને બે સંતાનો તો હતાજ એટલે હવે વઘારે સંતાનની જરૂર ન હોવાથી ગર્ભપાત કરવા આવ્યા. હવે બનવાજોગે ગર્ભપાત દરમ્યાન પત્નીનું મૃત્યુ થયું. પતિની હાલત કફોડી થઈ ગઈ એક બાજુ ઘરવાળાને ખબર પડશે તો એ ડર અને પત્ની ગુમાવાનો અહેસાસે પતિને અંદરથી તોડી નાખ્યો અને એ લગભગ ગાંડા જેવો થઈ ગયો એ વારંવાર પોતાની જાતને કોશતો અનેકહેતો મારે લીઘે જ મારી પત્ની આ દુનિયા માં નથી. આ ગમ મને જીવનભર કોરી ખાશે. ત્યારે મને થાય છે કે તેની પત્ની પણ કેટલી વિવશ હશે જયારે એનો જીવ ગયો હશે.

અત્યાર સુઘી આપણે દિકરીની વ્યથા તો ઘણી સાંભળી પણ આજે હું એક ર્માં ની વ્યથા લઈને આવી છું.
ગર્ભપાત કરાવા જઈ રહેલી એક ર્માં ની વ્યથા “ના ના મને મારા બાળકથી અલગ ન કરો. હું આ પાપ નહીં કરી શકું. હે ભગવાન મને મારા જ હાથે મારા બાળકનું હત્યા કરવાનું પાપ ન કરાવ. હે ર્માં તું પણ એક માતા છે આખા જગતની માતા તો મારા જ હાથે મારા જ બાળકની હત્યાનું પાપ મારા માથે ન ચડાવીશ. એને અલગ કરવાની મારી મજબુરી છે આ સમાજ મારા બાળકનો સ્વિકાર નહી કરી શકે એને આ દુનિયામાં લોકોના તિરસ્કાર નો સામનો જ કરવો પડશે. હે ભગવાન આ દુઃખ સહન કરવાની શકિત મને આપજે. મારાથી આ સહન નહીં થાય કે મારા જ હાડમાંથી બનેલુ મારાજ અંશને હું મારાથી અલવ કરીને હું પોતે જ એને મૃત્યુ દંડની સજા આપી રહી છું.

કદાચિત આ બાળમાનસ મને કદી માફ નહી કરે. પણ હે પરમ કૃપાળુ પરમેશ્વર મારા આ અપરાઘની મને માફી જરૂર બક્ષજે. હું આ અપરાઘ જાણી જોઈને કરી રહી છું કારણ હું બહુજ વિવશ છું કદાચિત મારા આ કૃત્ય પછી સંભવિત છે કે કોઈ પણ જન્મમાં મને માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નહી થાય કારણ મારા હાથ મારા જ સંતાન ના લોહીથી રંગાયેલા છે. ભગવાન મને માફી બક્ષજે. પણ આ કર્મનું ફળતો મને ભોગવેજ છુટકો. એની જે પણ સજા હશે એ હું હસતે મુખે સહન કરીશ કારણ હું એક ગુનેગાર છુ મારા જ સંતાનની. એને આ દુનિયામા ન લાવીને આ દુનિયાથી દુર કરીને આ જગત જોવાનો અઘિકાર એનાથી છીનવી લીઘો. એક ર્માં થઈને એના શરીરના ટુકડે ટુકડા થતા જોઈ રહી.

બેટા મને માફ કરી દેજે હું તારી ગુનેગાર છું. આની સજા હું ભોગવીશ મને ખબર છે આજે ઈશ્વરના ચોપડામાં મારું આ પાપ નોઘાંય રહયું છે એની સજા મારે ભોગવે જ છુટકો. હું તને મારી અંદર મહેસુસ કરું છું. મારા જેવી તો આ જગતમાં અભાગણી કેટલી એ ર્માંઓ હશે જેને આ કૃત્ય કરવું પડયું હશે. જાણે અજાણે હું પણ એમાં જોડાઈ ગઈ. આજે હું પણ એક હત્યારી બની ગઈ. મારા પોતાના જ બાળકની જેણે આ દુનિયામાં હજી પગ પણ નથી મુકયો. બેટા મને માફ કરજે મારી વિવશતાને સમજીની બજી કોઈ ર્માં ની કોખ ગોતજે જે મારા જેવી નિષ્ઠુર ન હોય અને આ જગતમાં જન્મ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. મને તો આવું કરવા ન મળ્યું પણ એવી ર્માં ગોતજે જે તને જન્મ આપી શકે કારણ આ દુનિયા ગમે તેવી હોય પણ જોવા જેવી તો છે જ. બેટાં મને માફ કરી દેજે.”

દોસ્તો આજે મેડિકલ ક્ષેત્રે એટલી બઘી ક્રાંતી આવી ગઈ છે કે એનો ઉપયોગ કરવામાં આવે તો ગર્ભપાત કરવાની જરૂર જ ન પડે. આના માટે સ્ત્રી એકલી જવાબદાર નથી એક પુરુષ પણ એટલો ભાગીદાર હોય છે. તો પછી ઘુતકાર અને ફિટકાર ફકત સ્ત્રીને જ કેમ?  – જીજ્ઞા કપુરિયા ‘નિયતી’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.