મિલ્કતના ઝઘડામાં સાવકી માતા અને બહેનને પુત્રોએ ધમકી આપી
(પ્રતિનિધિ) અમદાવાદ: મિલ્કતના ઝઘડામાં સાવકા પુત્રોએ માતા તથા દિકરીની ઓફીસમાં ધસી જઈ તેમની સામે પેન્ટ ઉતારી બિભત્સ ઈશારા કર્યા બાદ ઝઘડો કરી તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપવાની ફરીયાદ ક્રિષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બનાવ બાદ ગભરાયેલા માતા-પુત્રી ઓફીસ છોડીને ભાગી ગયા હતા. ઉપરાંત માતાએ દિકરી સાથે છેડતી કરવાનો પણ આરોપ મુકતા ચકચાર મચી છે.
રાજેન્દ્રસિંહ રાજપુત નવા નરોડા હરીદર્શન ચાર રસ્તા ખાતે કાવેરી બંગ્લોઝમાં (haridarshan kaveri bungalows naroda) રહેતા હતા બે લગ્ન દરમિયાન તેમને પ્રથમ પત્નીથી રાકેશસીંગ, સીમાદેવી, મનોરમાદેવી અને મનોજસીંગ નામના સંતાનો હતા પ્રથમ પત્નીના મૃત્યુ બાદ રાજેન્દ્રસિંહે ગીતાબેન (ઉ.વ.પપ) સાથે બીજા લગ્ન કર્યા હતા જેનાથી ખુશ્બુ નામની એક પુત્રી હતી. થોડા સમય અગાઉ રાજેન્દ્રસિંહનું મૃત્યુ થતા ગીતાબેન અને તેમની પુત્રી રાજેન્દ્રસિંહનું કૃષ્ણનગર, બજરંગ આશ્રમ સામે આવેલા પેટ્રોલપંપ સંભાળતા હતા.
આ અંગે ગીતાબેન અને તેમના સાવકા સંતાનો વચ્ચે કેટલાંક દિવસથી ઝઘડો ચાલતો હતો દરમિયાન થોડા દિવસ પહેલા બપોરના સુમારે ગીતાબેન તથા ખુશ્બુ પેટ્રોલપંપની ઓફીસમાં હાજર હતા એ વખતે રાકેશસીંગ અને મનોજસીંગ ત્યાં આવી ચડ્યા હતા અને તમે અહીંયા કેમ બેઠા છો તેમ કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. દરમિયાન ઉશ્કેરાયેલા રાકેશસિંગે બંને મા-દિકરી સામે જ પોતાનું પેન્ટ ઉતારીને તેમની સામે ઈશારા કરી ગાળો બોલી હતી અને ગીતાબેને તેમ નહી કરવાનું કહેતા બંનેએ ઝપાઝપી કરી હતી.
ઉપરાંત સાવકી બહેન સાથે પણ અભદ્ર વર્તન કર્યા બાદ તલવારો મારવાની અને અકસ્માતમાં જાનથી મરાવી દેવાની ધમકીઓ આપતા ડરી ગયેલી માતા-પુત્રી ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં તેમણે બંને સાવકા પુત્રો સામે ક્રિષ્ણાનગરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સાવકી માતાએ પુત્રો વિરૂધ્ધ આક્ષેપ કરતા આસપાસના રહીશો પણ ચોંકી ગયા હતા અને મિલ્કત માટે વકરેલા ઝઘડા અંગે તરેહ તરેહની ચર્ચા કરવા લાગ્યા હતા.