Western Times News

Gujarati News

ભજન ગાયક અજય પાઠકની પત્ની અને દીકરી સહિત હત્યા

શામલી : ઉત્તર પ્રદેશના શામલીમાં વર્ષના છેલ્લા દિવસ 31 ડિસેમ્બરે જાણીતા ભજન ગાયક અજય પાઠક, તેમની પત્ની અને દીકરીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ત્રણેયની હત્યા ધારદાર હથિયારથી તેમના જ ઘરના ઉપરાના હિસ્સામાં કરવામાં આવી. આ ઉપરાંત તેમના 10 વર્ષના દીકરો ગુમ થયો હતો. પોલીસને બુધવારે અપહરણ કરાયેલા દીકરાની અડધી સળગેલી લાશ હરિયાણાના પાનીપતથી મળી આવી. અજય પાઠક, તેમની પત્ની અને દીકરીની હત્યા બાદ હત્યારાઓએ તેમની જ કારથી દીકરાનું અપહરણ કરી લીધું હતું.

એક જ પરિવારના ચાર સભ્યોની નિર્મમ હત્યાથી સમગ્ર પંથકમાં સન્નાટો ફેલાઈ ગયો છે. બીજી તરફ પરિવારના સભ્યોને ઘેરો આઘાત લાગ્યો છે. મળતી જાણકારી મુજબ, આ મકાનમાં અજય પાઠક (42), તેમની પત્ની સ્નેહલતા (38), દીકરી વસુંધરા (15) અને દીકરો ભાગવત (10) સાથે રહેતા હતા. મંગળવારે પાઠક પરિવારનું કોઈ પણ સભ્ય ઘરની બહાર નહોતું આવ્યું. તે દિવસ સાંજે લગભગ 4 વાગ્યે નજીકમાં રહેતા તેમના ભાઈ તેમને મોબાઇલ ફોન કરી રહ્યા હતા પરંતુ તેઓ ફોન ઉઠાવી નહોતા રહ્યા.

ફોન કૉલનો કોઈ જવાબ ન મળતાં પડોશી અને પરિજનો તેમના ઘરે પહોંચ્યા તો મુખ્ય દરવાજાનો નાનો ગેટ ખુલેલો હતો. લોકો જ્યારે ઉપર પહોંચ્યા તો ત્યાં બારણે તાળું મારેલું હતું. તાળું તોડીને જોતાં અંદર અજય પાઠક, તેમની પત્ની અને દીકરીના શબ લોહીથી ખરડાયેલા પડેલા હતા. હત્યારા ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાની ડીવીઆર પણ ઉઠાવીને લઈ ગયા હતા. અજય પાઠકના દીકરો ભાગવત અને તેમની કાર પણ ગુમ હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધીક્ષક (એસપી) વિનીત જયસ્વાલ, જિલ્લાધિકારી (ડીએમ) અખિલેશ સિંહ અને ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે ઘટનાસ્થળે પહોંચી ઘટનાની જાણકારી લીધી.

પોલીસ અપહરણ કરાયેલા દીકરા અને કારની શોધખોળમાં લાગી ગયા હતા. ત્યારે જે જાણકારી મળી કે હરિયાણાના પાનીપતમાં એક ઇકો કારમાં એક બાળકનો અડધો સળગેલું શબ મળ્યું છે. પોલીસ અજય પાઠકના પરિજનોની સાથે ઘટનાસ્થળે પહોંચી તો મૃતક બાળકની ઓળખ અજય પાઠકના અપહરણ કરાયેલા દીકરા ભાગવત રૂપે થઈ. સમગ્ર પરિવારની નિર્મમ હત્યા બાદ સૌ કોઈ આઘાતમાં છે. એસપી વિનીત જયસ્વાલે જણાવ્યું કે એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી છે. પહેલી નજરમાં આ મામલો અદાવતનો હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાના ખુલાસા માટે અનેક ટીમો બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપી પોલીસની પકડમાં હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.