‘અમેરિકાનો વ્યવહાર ગેંગસ્ટર જેવો, અમે નવા હથિયાર લાવીશુ’ : કિમ જોંગ
નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને એલાન કર્યુ છે કે તેમની એજન્સીઓ નવા પ્રકારના હથિયાર પર કામ કરશે. ગત વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત સમયે નોર્થ કોરિયાએ પોતાના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવાની વાત કરી હતી. પરંતુ નવું વર્ષ શરૂ થતાં જે તેઓએ પોતાની નીતિ બદલી દીધી છે અને નવી રીતે કામ કરાશે તે વાત પર જોર આપ્યું છે. એજન્સીના જણાવ્યા મુજબ કિમ જોંગ ઉને પોતાની પાર્ટીના ઉચ્ચ નેતાઓ સાથે બેઠક કરી હતી જેમાં અમેરિકા સાથેના સંબંધો અંગે ચર્ચા થઈ હતી. નોર્થ કોરિયાએ પરમાણુ પ્રોગ્રામ પર બીજી વખત વાત કરવાની અપીલ કરી છે પરંતુ અમેરિકાએ હજુ કોઈ જવાબ આપ્યો નથી. કિમ દ્વારા નિવેદન આપતાં કહ્યું હતું કે અમેરિકા અમારી સાથે ગેંગસ્ટર જેવો વ્યવહાર કરે છે અને તેઓ ઈચ્છે છે કે તેમના કહ્યાં મુજબ જ કામ કરવામાં આવે.
આ સાથે જ તેઓએ કહ્યું કે હવે વિશ્વમાં અમારા નવા હથિયારોના પ્રોગ્રામ જોવા મળશે જે એક ઐતિહાસિક રહેશે. કિમ જોંગ ઉનના નિવેદન પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પોતાના શબ્દો પર ખરા ઉતરે તેવા વ્યક્તિ છે, ત્યારે જો તેઓએ પરમાણુ હથિયારોને ત્યાગવાની વાત કરી હતી ત્યારે આશા છે કે તેઓ તે જ કામ કરશે. સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો નોર્થ કોરિયા પોતાની નવી રણનીતિ પર આગળ વધશે તો અમે તે જ કરીશું જે અમને યોગ્ય લાગશે. ટ્રમ્પે ફરી એક વખત સિંગાપુરની મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચેના કોન્ટ્રાક્ટને યાદ કર્યા હતા.