રાજસ્થાનના કોટામાં ૧ મહિનામાં ૧૦૦ બાળકોના મોત
કોટા/જયપુર, બે દિવસમાં ૯ બાળકોના મોત સાથે કોટાની જે.કે. લોન હોસ્પીટલમાં ડીસેમ્બરમાં મહિનામાં જ મરનારા બાળકોની સંખ્યા વધીને ૧૦૦ની થઈ ગઈ છે. બાળકોના મોત પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વિપક્ષ ભાજપે રાજસ્થાન સરકાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહાર કર્યો છે. ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીયએ કહ્યુ છે કે એક મહિનામાં ૧૦૦ બાળકોના મોત કોઈ મામૂલી બાબત નથી.
બીજી તરફ બસપા ચીફ માયાવતીએ પણ ગેહલોટ સરકાર અને પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યુ છે. હોસ્પીટલના તંત્રએ જણાવ્યુ છે કે ડીસેમ્બરમાં આ હોસ્પીટલમાં ૭૭ બાળકોના મોત થયા હતા. હોસ્પીટલના સુપ્રિ. ડો. સુરેશ દુલારાએ કહ્યુ છે કે ૩૦ ડીસે.ના રોજ ૪ બાળકો અને ૩૧ ડીસે.ના રોજ ૫ બાળકોના મોત થયા હતા. તેમણે આની પાછળનું કારણ જણાવતા કહ્યુ હતુ કે, બધાના મોત જન્મ સમયે ઓછા વજનને કારણે થયા છે.
બીજી તરફ આટલી મોટી સંખ્યામાં બાળકોના મોત પર ભાજપે સરકાર વિરૂદ્ધ દેખાવો શરૂ કર્યા છે. ભાજપના અમિત માલવીયએ કહ્યુ છે કે ૧ મહિનામાં ૧૦૦ નવજાત શિશુના મોત થાય છે અને રાજ્ય સરકાર ઉંઘે છે. કોટા એટલુ દૂર નથી કે સોનિયા અને રાહુલ આવી ન શકે. સરકારની લાપરવાહીને કારણે મોત થયા છે. બીજી તરફ બાળકોના મોતથી જાગેલી સરકારે તપાસના આદેશો આપ્યા છે. આ હોસ્પીટલમાં ૨૦૧૮માં ૧૦૦૫ બાળકોના મોત થયા હતા, જ્યારે ૨૦૧૯માં ૯૬૩ બાળકોના મોત થયા છે.