Western Times News

Gujarati News

વલસાડ ખાતે વારલી કલા મહોત્‍સવ ઉજવાયો

એક જ સ્‍થળે એક સાથે ૨૧૦૯ આદિવાસી વિદ્યાર્થીઓએ વારલી પેઇન્‍ટિંગ બનાવી ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ પ્રસ્‍થાપિત કર્યો –વારલી કલાનું પ્રદર્શન આદિવાસી સમાજ માટે ગર્વની વાત છે-આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણભાઇ પાટકર

વારલી એક આદિવાસી જાતિ છે જે મુખ્‍યત્‍વે ગુજરાત અને મહારાષ્‍ટ્રની સરહદ ઉપર વસવાટ કરે છે. તેમની જીવન શૈલી સાદી, સરળ તથા કલા અને સંગીત સંસ્‍કૃતિથી ભરપુર છે. વારલી ચિત્રકલા આદિજાતિ સમાજના ચિત્રકારો દ્વારા કરવામાં આવતી એક વિશિષ્‍ટ પ્રકારની કલા છે. આ કલા લુપ્ત ના થાય તથા સમાજનો બહોળો વર્ગ આ કલાથી પરિચિત થાય તથા વારલી કલા માટે જાગૃતિ આવે, તેમજ આદિજાતિ વિદ્યાર્થીઓને વારલી ચિત્ર બનાવવા પ્રોત્‍સાહન મળે તે હેતુથી લક્ષ્ય ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વારલી કલા મહોત્‍સવ આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના અધ્‍યક્ષ સ્‍થાને સૌરાષ્‍ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ, ધરમપુર ચાર રસ્‍તા વલસાડ ખાતે યોજાયો હતો.

આ મહોત્‍સવમાં એક જ સ્‍થળે એક સાથે ૨૧૦૯ આદિવાસી વિદ્યાર્થીઓએ વારલી પેઇન્‍ટિંગ બનાવી ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્‍થાન મેળવી વલસાડ જિલ્લાનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું હતું. આ મહોત્‍સવમાં વલસાડ અને તાપી જિલ્લાની વિવિધ ૧૩ જેટલી સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. દરેક બાળકોએ તેમને આપેલા મટીરીયલ ઉપર પોતાની વારલી પેઇન્‍ટિંગની કલાને પ્રદર્શિત કરી હતી. આ પેઇન્‍ટિંગ માટે કીચેઇન, ટી કોસ્‍ટર, પેન સ્‍ટેન્‍ડ, મોબાઇલ સ્‍ટેન્‍ડ, ટેબલ કલોક, કી સ્‍ટેન્‍ડ, વોલકલોક, એમડીએફ ટ્રે, થ્રી-પીસ ફ્રેમ, ડાઇનિંગ ટેબલ મેટ, ન્‍યૂઝ પેપર સ્‍ટેન્‍ડ, વુડન સ્‍પૂન, ફોટોફ્રેમ, વોલ માઉન્‍ટ ફ્રેમ, ગીફટ કાર્ડ વગેરે છ હજાર કરતાં વધુ વસ્‍તુઓનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. મહોત્‍સવમાં ભાગ લીધેલી શાળાના પ્રતિનિધિઓને મંત્રીશ્રી અને મહાનુભવોના હસ્‍તે સર્ટીફીકેટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે મહોત્‍સવમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી લક્ષ્ય ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વારલી કલાને પ્રોત્‍સાહન આપવા માટે કરેલા પ્રયાસોને બિરદાવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, વારલી કલાનું પ્રદર્શન આદિવાસી સમાજ માટે ગર્વની વાત છે. દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગની વસતિ આદિવાસી સમાજની છે. આજે નવો રેકોર્ડ સ્‍થાપી વારલી કલાને ઇન્‍ડિયા લેવલે સન્‍માન મળતા આનંદની લાગણી અનુભવતાં તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, વારલી કલા દ્વારા આદિવાસીઓ પોતાની જીવન શૈલી, સંસ્‍કૃતિ, ધર્મ, તહેવારો, કુદરતી દ્રશ્‍ય અને ભૌગોલિક વિવિધતા દર્શાવતા હોય છે. આદિવાસીઓ વર્ષોથી પેઇન્‍ટિંગ, વાંસની બનાવટ, ભરતકામ, માટીની બનાવટ જેવી વિવિધ કલા સાથે સંકળાયેલા છે. આજના સમયમાં તેઓને પોતાની કલા દ્વારા પ્રસિધ્‍ધિની સાથે રોજગારી મળી રહી છે.

આ અવસરે વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલે આદિવાસીઓના ઉત્‍થાન માટે અને તેમના આર્થિક ઉપાર્જન મળી રહે તેવી સેવાકીય પ્રવૃતિ દ્વારા ટ્રસ્‍ટ દ્વારા કલા મહોત્‍સવના આયોજન બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલે મોટી સંખ્‍યામાં હાજર રહી રેકોર્ડ સ્‍થાપવા ભાગીદાર બનવા માટે  આદિવાસી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા. પારડી ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, વારલી પ્રજા કલાપ્રેમી, શાંતિપ્રિય અને સ્‍નેહપ્રિય છે. વારલી કલા આખા વિશ્વમાં પ્રસિધ્‍ધ છે. આ અવસરે લક્ષ્ય ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ ભરતસિંહ ચુડાસમા દ્વારા ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવતી આદિવાસીઓના વિકાસને લગતી વિવિધ પ્રવૃતિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. ટીચકપુરા-વ્‍યારા શાળાની વિદ્યાર્થીઓએ સ્‍વાગત ગીત રજૂ કર્યું હતું.

આ અવસરે ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ ડૉ.વિનોદકુમાર સિંહ, બાળ વિકાસ સમિતિના અધ્‍યક્ષ સોનલબેન સોલંકી, અગ્રણી મહેશભાઇ ભટ્ટ, કાંતિભાઇ વાછાણી, નિલેશભાઇ વાછાણી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઇ ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિ દેસાઇ અને ભરતભાઇ પટેલે જ્‍યારે આભારવિધિ લક્ષ ચેરીટેબલ ટ્રસ્‍ટના રીનાબેન વાછાણીએ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.