Western Times News

Gujarati News

ગુજરાત ફરી એકવાર સ્ટાર્ટ-અપ્સ માટે સૌથી લોકપ્રિય રાજ્ય

સ્ટાર્ટઅપ અમલીકરણની રાજયકક્ષાની સમિતિની બેઠકમાં ૨ કરોડની સહાયથી નવા ૧૭ સ્ટાર્ટઅપ મંજૂર : અત્યારસુધીમાં ગુજરાતે ૨૫૦થી વધુ સ્ટાર્ટ અપ્સને રૂ. ૩૦ કરોડની સહાય આપી :  સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમને વેગ આપવા રાજય સરકાર પ્રતિબદ્ધ ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટેની સહાયરૂપ યોજના સંદર્ભે રાજ્યકક્ષાની અમલીકરણ સમિતિની 18મી બેઠક મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ અને ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્રસચિવ શ્રી એમ. કે. દાસની અધ્યક્ષતામાં મળી હતી.

આ બેઠકમાં રાજયના નવા ૧૭ સ્ટાર્ટ-અપ્સને કુલ રૂ. 2 કરોડની નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી હતી. ગુજરાતમાં અત્યારસુધીમાં ૨૫૦થી વધુ સ્ટાર્ટઅપ્સને રૂ. ૩૦ કરોડની સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકારે MSME એકમો સહિત રાજયમાં નવા ઉદ્યોગો અને સંશોધનો માટે યુવાશક્તિને પ્રેરિત કરવા સ્ટાર્ટઅપ પોલિસીનો સફળ અમલ કરાવ્યો છે. તદઅનુસાર રાજ્ય સરકારે શરૂ કરેલી આ પહેલથી માત્ર હાઈટેક ઇનોવેશનનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગપતિઓની આકાંક્ષાઓ જ પૂર્ણ થઈ નથી પરંતુ નવા ઇનોવેટર્સને પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના થકી રાજ્ય અને દેશના સામાજિક માળખા પર હકારાત્મક અસર પડી છે.

રાજય સરકારના આ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના અભિગમને પગલે ગુજરાતમાં અનેક ઈનોવેટિવ શોધ બહાર આવી છે. જેમાં ટર્મરીક બ્રેઈન ઇન્જરીની પ્રારંભિક જાણકારી મેળવવા માટેનું સ્કેનર, દુખાવા રહિત ઓપન હાર્ટ સર્જરી માટે સ્ટર્નલ સ્ટેપ્લર, ઓછા ખર્ચનું ગ્રાઉન્ડનટ ડીગર, ખાતર ફેલાવવાનું મશીન, કૃષિ-કચરામાંથી ટકાઉ ફાઇબર બનાવટ અને અગ્નિ શામક મટીરીયલ સહિત અનેક ઈનોવેશન્સનો સમાવેશ થાય છે. જેમાં રાજયમાં સમાવિષ્ટ તમામ ૩૩ જિલ્લાઓમાંના એન્ટરપ્રિન્યોર્શીપ સેટઅપ સેલનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા આ ક્ષેત્ર માટે તૈયાર કરવામાં આવેલી સરળ નીતિ અને ધોરણોના પરિણામે સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે ગુજરાત અવ્વલ છે. ઇન્ટરેક્ટિવ સ્ટાર્ટ-અપ પોર્ટલ, ઇન્ક્યુબેટર્સ સહિતની સ્ટાર્ટ-અપની નીતિઓ સમગ્ર સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બનાવે છે. જેના થકી ગુજરાત સ્ટાર્ટ અપ ક્ષેત્રે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે હબ બન્યુ છે. દેશભરમાં આ સમયગાળા દરમિયાન ૧પ૦ સ્ટાર્ટ અપમાંથી ૪૩ ટકા ફંડેડ સ્ટાર્ટ અપ એકલા ગુજરાતમાં જ કાર્યરત છે.

રેન્કિંગ જ દર્શાવે છે કે, ભારતના સ્ટાર્ટ-અપ્સના કેન્દ્ર તરીકે ગુજરાત મોખરે છે. વર્ષ-2018 દરમિયાન પણ ગુજરાતનું રેન્કિંગ “બેસ્ટ” હતું અને ગુજરાત સ્ટાર્ટ અપ બાબતે દેશના અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું હતુ અને ભવિષ્યમાં પણ ઉભરતા સ્ટાર્ટ અપ માટે શ્રેષ્ઠ રાજ્ય બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.