JNUમાં હિંસાને લઈ અમદાવાદના IIM રોડ પર વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/JNU-IIM.jpg)
અમદાવાદ, JNUમાં હિંસાને લઈ આજે અમદાવાદના IIM રોડ પર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ JNUમાં હિંસાને લઈ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓએ હિંસાને સખત શબ્દોમાં વખોડી હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદના IIM રોડ પર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થિતિ અસામાન્ય થતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયા હોવાની માહિતી મળી છે. આ દરમિયાન પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે દિલ્હી ખાતે આવેલ જવાહર લાલ નેહરુ(JNU) યુનિવર્સિટીમાં રવિવારે હિંસા ભડકી ઉઠી હતી. મીડિયા રિપોર્ટ મુજબ રવિવારે જેએનયૂ યુનિવર્સિટીમાં ડઝન માસ્ક પહેરેલા હુમલાખોરોએ કેમ્પસમાં તોડફોડ કરી હતી અને વિદ્યાર્થી-ફેકલ્ટી પર હુમલો પણ કર્યો હતો.
રિપોર્ટ મુજબ આ હુમલામાં 30થી વધુ છાત્ર ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસે ઘટનાની જાણ થતા તપાસ હાથ ધરી છે અને એફઆઈઆર પણ નોંધી છે. જેએનયૂ હિંસાને લઈ હવે દેશમાં રાજનીતિ ગરમાઈ છે. વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર પર સતત શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક નિવેદનમાં કહ્યું કે હાલ દેશમાં યુવાઓ અને છાત્રોની આવાજને દબાવવામાં આવી રહી છે અને તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે. અસામાજિક તત્વો દ્વારા હિંસા ભડકાવવામાં આવી રહી છે.