કેજરીવાલની સરકારે માત્ર વચન આપ્યા : અમિત શાહ
નવીદિલ્હી: દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદ આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઇ ગયો છે. કાર્યક્રમ જાહેર થયા બાદ આજે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, છેલ્લા ૬૦ મહિનાના ગાળામાં આમ આદમી પાર્ટીની સરકારે માત્ર વચનો જ આપ્યા હતા.
હવે અંતિમ ત્રણ મહિનામાં જનતાના વિકાસના પૈસાને પોતાની ઘોષણાઓ માટે જાહેરાતો પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં આજે પણ લોકો ફ્રી વાઈફાઈ, ૧૫ લાખ સીસીટીવી કેમેરા, નવા કોલેજા અને હોસ્પિટલની રાહ જાઈ રહ્યા છે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, લોકશાહીના આ મહાપર્વના માધ્યમથી દિલ્હીની પ્રજા તેને પાંચ વર્ષ સુધી સતત ગેરમાર્ગે દોરનાર અને તેમને માત્ર વચનોમાં બાંધી રાખનાર આમ આદમી પાર્ટીને પરાજીત કરી ભાજપને તક આપશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દિલ્હીની પ્રજાની અપેક્ષાઓને પૂર્ણ કરનાર સરકારની પસંદગી કરશે. અમિત શાહે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરાયા બાદ આનુ સ્વાગત કરતા કહ્યું હતું કે,
આ ચૂંટણી દિલ્હીને વિકાસમાં અગ્રણી બનાવવા માટેની આધારશીલા મુકશે. દિલ્હીની પ્રજા વધુને વધુ સંખ્યામાં મતદાન કરીને નવા રેકોર્ડ સર્જશે તેમ તેઓ માને છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે દિલ્હીને રહેવા માટે વધુ શ્રેષ્ઠ સ્થળ બનાવવા પ્રયાસ કરીશું. પાણી અને વાયુની ગુણવત્તાને સુધારવામાં આવશે. ભાજપ સત્તામાં આવતાની સાથે જ દિલ્હીને એક વધુ સારી સરકાર મળશે તેવો દાવો ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરે આજે કર્યો હતો. બીજી બાજુ કેજરીવાલે કહ્યું હતું કે, આ વખતે દિલ્હીના લોકો જે કામ થયું છે તેના આધાર પર મત આપશે. ચૂંટણી અભિયાન સંપૂર્ણપણે પોઝિટિવ રાખવામાં આવશે.