શિમલામાં ગેરકાયદે મસ્જિદના વિવાદમાં દેખાવકારો-પોલીસ વચ્ચે અથડામણ
શિમલા, શિમલાના સંજૌલી વિસ્તારમાં એક મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડી પાડવાની માગણી કરતા દેખાવકારોએ બુધવારે સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો કર્યાે હતો અને બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. ભીડને વિખેરવા માટે પોલીસને પાણીનો મારો તથા લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો.
જેમાં પોલીસ અને મહિલાઓ સહિત ૧૦ જેટલા લોકો ઘાયલ થયા હતા. વિક્રમાદિત્ય સિંહે જણાવ્યું હતું કે સરકાર બગડેલી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અમે કેન્દ્રીય નેતૃત્વ અને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના સંપર્કમાં છીએ અને આ મામલે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના પ્રભારી રાજીવ શુક્લા સાથે વાત કરવામાં આવી છે. તેઓ પણ કાયદો અને વ્યવસ્થાનો લઈને ચિંતિત છે.
સેંકડો વિરોધીઓ “જય શ્રી રામ” અને “હિંદુ એકતા ઝિંદાબાદ” ના નારા લગાવતાં, સબઝી મંડી ધાલી ખાતે એકઠા થયા હતા અને તેમણે સંજૌલી બજાર તરફ કૂચ કરી હતી. પ્રતિબંધના આદેશો તથા વહીવટીતંત્રની ચેતવણીઓની અવગણના કરીને તેઓએ ધલ્લી ટનલ પાસે ઉભા કરાયેલા બેરીકેડ તોડી નાખ્યા હતા.
કેટલાક હિંદુ જૂથોના આહ્વાન પર એકત્ર થયેલા વિરોધીઓ સંજૌલીમાં પ્રવેશ્યા અને મસ્જિદની નજીકનો બીજો બેરિકેડ ઉખેડી નાખ્યો હતો. પોલીસે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ તથા પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસે હિંદુ જાગરણ મંચના સેક્રેટરી કમલ ગૌતમ સહિત કેટલાક વિરોધીઓની પણ અટકાયત કરી હતી અને મસ્જિદ પાસે ફરીથી બેરિકેડ ઉભા કરી દીધા હતા.
પરંતુ દેખાવકારોએ વહીવટીતંત્ર સામે સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું. રમખાણો ફાટી નીકળનાના કારણે સંજૌલી, ધલ્લી અને આજુબાજુના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ શાળાઓમાં ફસાઈ ગયા હતા. બીજી તરફ, વાલીઓએ રોષ ઠાલવ્યો હતો પ્રદર્શનની જાણ હોવા છતાં વહીવટીતંત્ર શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો નહોતો.
શિમલા બેપર મંડળના પ્રમુખ સંજીવ ઠાકુરે જણાવ્યું હતું કે મંડળે ગુરુવારે બંધનું એલાન આપ્યું છે. બંધ સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી રહેશે અને વિવિધ સ્થળોએ વિરોધ અને પ્રદર્શનો યોજવામાં આવશે.SS1MS