“ઓનલાઈન ફોર્મ ભરો પછી જ ડોક્ટર આવશે…’
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઓનલાઈનથી ઠગાઈ આચરતા ગઠીયાની ગેંગે પ્રાણીઓના નામે છેતરપીંડી કરવાનું પણ છાડયુ નથી. શહેરમાં ઢગલાંબંધ નાગરીકો વિવિધ એપ્લીકેશન દ્વારા છેતરાયા હતા. ઉપરાંત, કેટલાંક સેવાભાવી નાગરીકો જે દયનીય હાલતમાં રહેલા રખડતાં જાનવરો મદદ કરવા જતાં પણ ધરમ કરતા ધાડ પડી જેવા અનુભવો થયા હતા. પાલડીના એક યુવાન દિશાંક ગાંધીએ તેના ઘર આગળ કૂતરૂ મરી ગયુ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરીયાદ કરી હતી.
જા કે કોર્પોરેશનના મોબાઈલ પર સંપર્ક ન થતાં દિશાંકે ઓનલાઈન સર્ચ કરતા ૧૮૦૦ ની સીરીઝનો નંબર મળી આવ્યો હતો. એનિમલ હેલ્પલાઈન તરીકે ઓળખ આપતાં શખ્સે પહેલાં ૧૦ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્સફર કરવા કહ્યુ હતુ. જે કરતાં જ દિશાંકના ખાતામાંથી રૂ.પંચોત્તરે હજાર જેટલાં કપાઈ ગયા હતા. એક બાદ એક બેંકના મેસેજ દિશાંકના ફોનમાં આવતા જ તે ગભરાઈ ગયો હતો. અને બેંકમાં ફરીયાદ કરવા જતાં રસ્તામાં પણ તેણે રૂપિયા કપાયાના મેસેજા મળ્યા હતા. બાદમાં આ અંગે તેણે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી.
જ્યારે કાંકરીયા ફૂટબોલ ગ્રાઉન્ડની સામે ચંદ્રપ્રકાશ સોસાયટીમાં રહેતા હેમંત જગદીશભાઈ મગરેના ઘરની બાજુમાં જ કેટલાંક કૂતરાઓએ એક બિલાડીને ઘેરીને હુમલો કરતા તે ભયંકર રીતે ઘવાઈ હતી. અને મરણ હાલતમાં રહેલી બિલાડીને છોડાવી હેમંતભાઈએ પણ જીવદયાવાળાને ફોન કર્યો હતો. જેમણે ડોક્ટર સાહેબ ડાયરેક્ટ નહીં આવે. ઓનલાઈન ફોર્મ ભરી પાંચ રૂપિયા ટ્રાન્સફર કરવાના રહેશે.
જેથી બિલાડીની હાલત જાઈ હેમંતભાઈએ ઓનલાઈન ફોમમાં પોતાની બધી જ માહિતી નાંખી દેતાં ગણતરીની સેકન્ડોમાં જ તેમના ખાતામાંથી અનુક્રમે ૪૦ હજાર, ૧૦ હજાર અને ૬ હજાર એમ કુલ છાસઠ હજાર રૂપિયા કપાઈ ગયા હતા. જેથી તેમણે જીવદયાવાળાને સંપર્ક કરતા ફોન બંધ થઈ ગયો હતો. બાદમાં હેમંતભાઈએ બેકમાં જાણ કરીને કાગડાપીઠ પોલીસને ઓનલાઈન છેતરપીંડીની જાણ કરી હતી.