Western Times News

Gujarati News

અમદાવાદ ઓનલાઈન છેતરપીંડીનું હબ

Files photo

ઓનલાઈન છેતરપીંડીની એક જ દિવસમાં ૪૦થી વધુ ફરિયાદો નોંધાઈ : ઓએલએક્સ પર આર્મી મેનની ઓળખ આપી, પેટીએમ અપડેટ કરવાના તથા બેંકના ખાતાના નંબર મેળવી છેતરપિંડી

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમં બેકિંગ સેવાને મજબુત બનાવી કાળા નાણાંને બહાર લાવવા કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેકશન પર વધુ ભાર મુકવામાં આવી રહયો છે જેના પરિણામે છેલ્લા કેટલાક વર્ષોથી મોટાભાગની વસ્તુઓનું ઓનલાઈન ખરીદ વેચાણ થવા લાગ્યુ છે. સાથે સાથે કેટલીક જાણીતી કંપનીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ભેજાબાજ ગઠીયાઓ આ પરિસ્થિતિનો  લાભ ઉઠાવી નાગરિકોને ફોન કરી તેમના બેંકના ખાતાના નંબરો જાણી તથા અન્ય તરકીબો અજમાવી છેતરપીંડી આચરી રહયા છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ઓનલાઈન છેતરપીંડીની ૪૦થી વધુ ફરિયાદો નોંધાતા સાયબર ક્રાઈમના અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આ છેતરપીંડીમાં લાખો રૂપિયા નાગરિકોએ ગુમાવ્યા છે.


નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલમાં આવી સંખ્યાબંધ અરજીઓ નોંધાતા આખરે ગૃહ મંત્રાલયના સીધા આદેશથી ફરિયાદો નોંધવામાં આવતા આ કાર્યવાહી શરૂ કરાઈ છે. સાયબર ક્રાઈમ સેલે જુદા જુદા પોલીસ મથકોમાં ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદો નોંધાતા અમદાવાદ જાણે ઓનલાઈન છેતરપીંડીનું હબ બની ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  વચ્ચે છેતરપીંડીની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી રહી છે. બેકિંગની સીસ્ટમનો વ્યાપ વધારવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે જેના પરિણામે આજે મોટી સંખ્યામાં નાગરિકોએ બેંકોમાં ખાતા ખોલાવ્યા છે અને હવે તેમાંથી ઓનલાઈન નાગરિકો ટ્રાન્ઝેકશન કરી રહયા છે. કેન્દ્ર સરકારે છેતરપીંડી ન થાય તે માટે સમયાંતરે નાગરિકોને મહત્વપૂર્ણ સુચનો પણ આપે છે તેમ છતાં ભેજાબાજ ગઠિયાઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરીને સોશિયલ મીડિયા થકી નાગરિકો સાથે છેતરપીંડી આચરી રહયા છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલમાં રોજ દેશભરમાંથી ઓનલાઈન છેતરપીંડીની સંખ્યાબંધ અરજીઓ નોધાઈ રહી છે

જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આ તમામ અરજીઓના આધારે ફરિયાદ નોંધવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં જ ઓનલાઈન છેતરપીંડીની ૪૦૦થી વધુ અરજીઓ આવી હતી આ તમામ અરજીઓના આધારે ફરિયાદો નોંધવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ સહિત જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ઓનલાઈન છેતરપીંડીની એક જ દિવસમાં ૪૦થી વધુ ફરિયાદો નોંધાતા લાખો રૂપિયાની છેતરપીંડી થયાનું બહાર આવ્યું છે.

અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ મથકમાં યુવકને ગઠીયાએ ફોન કરી કેસ બેક આપવાની લાલચ આપી હતી અને ફોન પે કંપનીમાંથી મેનેજર તરીકે ઓળખ આપી ગઠીયાએ ૬ હજારથી વધુની રકમ પડાવી લીધી છે. જયારે બાપુનગરમાં એક વકિલને ઓલેક્ષ પર વોશિંગ મશીન ખરીદવા જતા તેની સાથે પણ રૂ.૩પ૦૦ની છેતરપીંડી થઈ છે.

આજ રીતે ચાંદખેડામાં પણ એક ટેક્ષી ચાલકે તેની માતા કેનેડામાં કેટલો સામાન લઈ જઈ શકે છે તેની પુછપરછ કરવા માટે ફોન કરતા ગઠિયાએ તેના બેંકની વિગતો મેળવી આરોપીએ મોકલેલી લીન્ક ક્લીક કરતા જ તેના ખાતામાંથી રૂ.૧.૩૯ લાખ ઉપડી ગયા હતાં. આજ રીતે ફેસબુક તરફથી ઈનામમાં લેપટોપ, આઈફોન, રોકડ રકમ સહિતની લાલચ આપી ગઠીયાએ પોતાની જાતને કસ્ટમ ઓફિસરની ઓળખ આપી હોમગાર્ડના જવાન સાથે ૩.પ૮ લાખની છેતરપીંડી આચરી છે.

અમદાવાદ શહેરમાં એક યુવકને એક્ષીસ બેંક તરફથી રૂ.૧૦ હજારનું ગીફટ વાઉચર આપવાનું હોવાથી તેના બેંકના ખાતાની વિગત મેળવી ગઠીયાએ રૂ.૬૦ હજારની છેતરપીંડી આચરી હતી. આજ રીતે સાયબર ક્રાઈમમાં એક ડોકટર સાથે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ડોકટરના ક્રેડિટ કાર્ડનો પીન નંબર જનરેટ કરવાના બહાને ખાતાની વિગત મેળવી ગઠીયાએ રૂ.૮૦ હજાર બારોબાર ઉપાડી લીધા છે. આ ઉપરાંત પશુઓની દવા માટે તથા ઓઈલ ખરીદવાની લાલચ આપી ગઠીયાએ એક વહેપારી પાસેથી રૂ.ર.૪૪ લાખ ઓનલાઈન છેતરપીંડી આચરી છે જેની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.

સાયબર ક્રાઈમમાં આ ઉપરાંત એક મહિલાએ પણ ફરિયાદ નોંધાવી છે જેમાં ગઠીયાએ આ મહિલાને ફોન કરી ક્રેડિટ કાર્ડના રીવડ પોઈન્ટ વધારવાની લાલચ આપી ક્રેડિટ કાર્ડનો તમામ ડેટા મેળવી લીધા બાદ તેના ખાતામાંથી રૂ.૮૦ હજાર બારોબાર ઉપાડી લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઓએલએક્સ પર વસ્તુઓના વેચાણ અને ખરીદી કરવાના બહાને છેતરપીંડીની ફરિયાદો ખૂબ જ વધી ગઈ છે. સાયબર ક્રાઈમમાં એક યુવકે ફરિયાદ નોંધાવી ગઠિયાએ આર્મી મેનની ઓળખ આપી ગાડી વેચવાના બહાને રૂ.પ૦ હજારની છેતરપીંડી આચરી છે. આ ઉપરાંત પેટીએમ એકાઉન્ટ બંધ કરવાની ધમકી આપી નવી એપ્લીકેશન ડાઉન લોડ કરવાના બહાને ગઠીયાએ યુવક પાસેથી ૬૯ હજાર રૂપિયાની છેતરપીંડી આચરી છે.

આ ઉપરાંત ઓએલએક્સ પર એક્ટિવા  વેચવાના બહાને આર્મીમેનની ઓળખ આપી ગઠીયાએ એક યુવક સાથે રૂ.૧૦ હજારની છેતરપીંડી આચરી હોવાની દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સાથે સાથે ઓએલએકસ ઉપર જ વેચાણ માટે બુરખા મુકવામાં આવ્યા હતા પરંતુ ગઠિયાઓએ આ વહેપારી સાથે છેતરપીંડી આચરી હોવાની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ ઓનલાઈન છેતરપીડીની ફરિયાદ નોંધાઈ છે જેમાં પેટીએમનું કેવાયસી અપડેટ કરવાના બહાને નવી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી એક યુવક પાસેથી ગઠીયાઓએ રૂ.૧.ર૪ લાખ પડાવી લીધા છે. આ ઉપરાંત ઈસનપુર તથા કાગડાપીઠમાં પણ ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદો નોંધાઈ છે. સરખેજમાં પણ પેટીએમ કેવાયસી વેરીફીકેશનના બહાને ગઠીયાઓએ એક વહેપારી પાસેથી રૂ.૧.૬૮ લાખ પડાવી લીધા છે.

શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ પેટીએમ વોલેટ બ્લોક થયાનો મેસેજ કરી ગઠીયાઓએ એક યુવકના રૂ.૧૭ હજાર પડાવી લીધા છે. જયારે નિકોલમાં એક મહિલાને ગઠીયાએ ફોન કરી બેંકનો અધિકારી બોલુ છુ તેવુ કહી તેના બેંકના ખાતાની તમામ વિગતો મેળવી ખાતામાંથી ૬ર હજાર રૂપિયા પડાવી લીધા છે. આ ઉપરાંત રખિયાલમાં ઓનલાઈન જેકેટ ખરીદનાર યુવક સાથે રૂ.ર૦ હજારની છેતરપીંડી કરવામાં આવી છે. જયારે નરોડામાં ક્રેડીટ કાર્ડનો નંબર જાણી તેના ખાતામાંથી રૂ.૩૭ હજાર ઉપાડી લેવામાં આવ્યા છે.


જયારે ફેસબુક ઉપર આકર્ષક ઘડિયાળ બતાવી એક યુવતિ પાસેથી ગઠીયાઓએ રૂ.ર હજાર પડાવી લેતા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જયારે નવરંગપુરામાં પીજીના સંચાલકના ખાતામાંથી ઓનલાઈન ૬ હજાર પ૦૦ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. જયારે વાડજમાં એક યુવક સાથે પેટીએમ વોલેટના બહાને રૂ.૪૦ હજારની છેતરપીંડી આચરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના  વિદ્યાર્થીઓએ આઈપોડ મોકલવાનું કહી ગઠીયાઓએ રૂ.૮૬ હજાર પડાવી લેતા શાહીબાગ પોલીસે ગુનો દાખલ કર્યો છે. જયારે સોલામાં ઓનલાઈન કિંમતી ઘડિયાળ મંગાવનાર યુવક સાથે રૂ.૬પ હજારની છેતરપીંડી આચરવામાં આવી છે. જયારે વાડજમાં વધુ એક યુવકે ઓનલાઈન એક્ટિવા ખરીદવા જતા રૂ.૩૦ હજાર ગુમાવ્યા છે.

વીઆઈપી નંબરવાળુ સીમકાર્ડ વેચાણથી આપવાના બહાને ઠગ ટોળકીએ સોલામાં રહેતા એક યુવક સાથે રૂ.૬૦ હજારની છેતરપીંડી આચરી છે જયારે શાહીબાગમાં રોલ ટેપ વેચાણથી આપવાના બહાને એક વેપારી સાથે રૂ.૧.૩૯ લાખની છેતરપીંડી આચરવામાં આવી છે. જયારે માધુપુરામાં ઓનલાઈન કાર ખરીદવા માટે તૈયારી બતાવતા એક યુવક સાથે રૂ.ર૭૦૦ની છેતરપીંડી આચરવામાં આવી છે. વસ્ત્રાપુરમાં એક યુવકે પેટીએમનો ઉપયોગ શરૂ કરતા તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેવુ શીખવાડવાના બહાને ગઠીયાઓએ તેના ખાતામાંથી રૂ.૬૪ હજાર ઉપાડી લીધા હતાં જયારે નરોડામાં એક શખ્સના ખાતામાંથી રૂ.૬૯ હજાર ગઠીયાઓએ બારોબાર ઉપાડી લીધા છે.

જયારે સાબરમતીમાં ગઠીયાઓએ લીન્ક મોકલી વહેપારીના ૭પ હજાર બારોબાર ઉપાડી લીધા છે. આજ રીતે રાણીપમાં રેલવે અધિકારી  સાથે એટીએમના ડેટા મેળવી રૂ.૮૦ હજાર ઉપાડી લેવામાં આવ્યા છે. રામોલમાં એક યુવકને નોકરી અપાવવાના બહાને ક્રેડીટ કાર્ડમાંથી રૂ.રપ હજારની ઓનલાઈન છેતરપીંડી આપવામાં આવી છે. જયારે નારોલમાં પેટીએમ એપ્લીકેશન બંધ કરી દેવાની ધમકી આપી ગઠીયાઓએ રૂ.ર૪ હજાર જયારે સરખેજમાં આ જ મોડસ ઓપરેન્ડીથી એક વ્યક્તિ પાસેથી રૂ.૧.૬૮ લાખ ઉપાડી લીધા છે. આમ અમદાવાદમાં એક જ દિવસમાં ઓનલાઈન છેતરપીંડીની ૪૦થી વધુ ફરિયાદો નોંધાતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.