પતંગ ચગાવવાનો આનંદ માણવાની સાથે નિદોર્ષ પક્ષીઓનો જીવ પણ બચાવીએ
આણંદ: ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઉત્તરાયણના દિવસે તેમજ અગાઉના દિવસો દરમિયાન પતંગ રસિકો દ્વારા પતંગો ચગાવવાનો આનંદ માણી રહ્યા છે. ત્યારે પતંગ રસિકોને પતંગ ચગાવવાનો આનંદ માણવાની સાથે ગગનમાં વિહરતા નિદોર્ષ પક્ષીઓ ઘાયલ ન થાય અને તેઓનો જીવ બચાવવા જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલે જિલ્લાના પતંગ રસિકોને અનુરોધ કર્યો છે.
કરૂણા અભિયાન-૨૦૨૦ અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓને તુરતજ સારવાર મળે અને તેઓનો જીવ બચાવી શકાય તે માટે જિલ્લામાં કરવામાં આવેલ આયોજનની સમીક્ષા કરી હતી.
બેઠકમાં કલેકટર શ્રી ગોહિલે તમામ સરકારી પશુ ચિકિત્સકો, વન વિભાગના કર્મીઓ અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સેવાભાવી યુવક મંડળો દ્વારા કરવામાં આવેલ આયોજનની સમીક્ષા કરી સારવારના અભાવે કોઇપણ પક્ષીનું મૃત્યુ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું.
ગોહિલે જિલ્લાના પતંગ રસિયાઓને પણ અપીલ કરી છે કે, જયારે પક્ષીઓનો ગગનમાં વિહરવાનો સમય હોય ત્યારે અને ખાસ કરીને સવારના ૯-૦૦ વાગ્યા પહેલાં અને સાંજના પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવાની અપીલ કરી છે. અને સાથે સાથે અબોલ પક્ષીઓના જીવ બચાવવાની આ મુહિમમા પતંગ રસિકો પોતાની નૈતિક ફરજ અને જવાબદારી અદા કરશે તેવી આશા વ્યકત કરી છે. ’
કલેકટરશ્રીએ ગગનમાં વિહરતા પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થતા હોય છે અને ઘણીવાર ઇજા થવાથી મૃત્યુ પણ પામતાં હોય છે ત્યારે આવા ઘાયલ પક્ષીઓની સારવાર માટે જિલ્લાના પશુ ચિકિત્સકો, વન વિભાગના અધિકારીઓની સાથે સેવાભાવી સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાઇ છે ત્યારે જિલ્લાના પ્રજાજનોને આજુબાજુમાં કે કોઇપણ જગ્યાએ ઘાયલ પક્ષી નજરે પડે તો હેલ્પ લાઇન નં. ૧૯૬૨નો તરત સંપર્ક કરવા અથવા તો જાહેર કરવામાં આવેલ વિવિધ સંપર્ક નંબરો ઉપર જાણ કરી અબોલ પક્ષીઓના જીવ બચાવવાની કામગીરીમાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો છે.
કલેકટરશ્રીએ વધુમાં પતંગ રસિકોને પતંગ ચગાવતી વખતે કે પકડતી વખતે વૃક્ષોઅને ઇલેકટ્રીક થાંભલાઓથી પણ દૂર રહેવા જણાવ્યું છે. તેમજ ફટાકડા ન ફોડવા અને પક્ષીઓની સારવાર જાતે ન કરવા અને પક્ષી ઉપર પાણી ન રેડવા પણ સુચવ્યું છે. આ બેઠકમાં પશુપાલન વિભાગ, વન વિભાગના ચિકિત્સકો, અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.