વિધાનસભામાં CAA સમર્થન બિલ બહુમતીથી પસાર કરાયું
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર આજે (૧૦ જાન્યુઆરી)એ મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો અને આ પ્રસ્તાવ કોંગ્રેસના હંગામા બાદ આખરે બહુમતિથી વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું.
કાંગ્રેસે તેની સ્ટ્રેટેજી મુજબ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આગમન સાથે જ સૂત્રોચ્ચાર શરુ કર્યા હતા . રાજ્યપાલ ના સંબોધન પહેલાંજ ‘ન્યાય આપો , બાળ હત્યા બંધ કરો , બળાત્કારી ઓને સજા આપો’ ના પોસ્ટર સાથે કોગ્રેસ ના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા.
વિપક્ષ ના નેતા પરેશ ધાનાણી એ ગૃહમાં રાજ્યપાલ સમક્ષ માંગણી મૂકી હતી કે બે દિવસ પહેલા તેઓ એ રાજ્યપાલ ને બેરોજગારી , પાક વીમા અને એનઆરસી ના વિરોધ મા જે આવેદનપત્ર આપ્યું હતું તે મુદ્દે વાત કરવામા આવે, અને આ માંગણી સાથેજ કોગ્રેસ ના તમામ ધારાસભ્યો એ તેમના સ્થળ પર ઉભા થઇને વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્યો વેલમાં ધસી આવતા રાજ્યપાલ દેવવ્રત પ્રવચન કર્યા વગર જ વિદાય થયા હતા અને ગૃહ પંદર મિનિટ માટે મુલતવી રહ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાં નાગરિકતા કાયદાને સમર્થન આપતું બિલ પસાર થયા બાદ પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાત આ પ્રકારનું બિલ પાસ કરનારુ પ્રથમ રાજ્ય બન્યું છે. ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યા અનુસાર નાગરિકતા સંશોધન બિલ લાવ્યા છે. હવે તેમનું સમર્થન કરવું આપણી ફરજ છે. આ કાયદાને કારણે ગુજરાતના કચ્છ અને સાબરકાંઠામાં રહેતા ૧૦ હજારથી પણ વધારે શરણાર્થીઓને નાગરિકતા મળશે.
જો કે તે ૧૦ ડિસેમ્બર ૨૦૧૪ પહેલા આવી ગયા હોય તે જરૂરી છે. તેમને ભારતનાં નાગરિકતા મળવાનાં કારણે નાગરિકોને મળતી તમામ સુવિધા સવલત અને માન મોભો મળશે. જો કે આ કાયદાનું સમર્થન કરતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતીની સંખ્યા ૨૩ ટકા હતી જે આજે ઘટીને માત્ર ૩ ટકા જ રહી ગઇ છે. જેનો સ્પષ્ટ રીતે અર્થ થાય છેકે પાકિસ્તાનમાં લઘુમતીઓનું ઉત્પીડન થઇ રહ્યું છે. અફઘાનિસ્તામાં ૨ લાખથી વધારે હિંદુઓ વસતા હતા પરંતુ આજે માત્ર પાંચસો હિંદુઓ વસે છે.
જેનો સ્પષ્ટ અર્થ છે કે તેઓનું ઉત્પીડન થઇ રહ્યું છે. જ્યારે ભારતમાં લઘુમતીઓ સંખ્યામાં વધારો થયો છે ૧૪ ટકા થી વધારો થયો છે. જેથી અહીં લઘુમતીઓ પર કોઇ અત્યાચાર થતો નથી તે સાબિત થાય છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા પહેલાથી જ રાજનીતિક તૃષ્ટીકરણની રાજનીતિ કરતું રહ્યું છે. સીએએ અને એનઆરસી જેવા મુદ્દે પોતાનાં રાજકીય રોટલા શેકવા માટે લોકોમાં ભ્રામક પ્રચાર કર્યો હતો. તમામ લોકોએ પોતાની નાગરિકતા આપવી પડશે જેવો ભ્રામક પ્રચાર કરીને લોકોને ગુમરાહ કર્યા હતા. પરંતુ અમે જે સમગ્ર બિલ છે તેના કેટલા મહત્વનાં મુદ્દા અને સત્ય વિધાનસભા સમક્ષ રજુ કર્યું છે.
હિંદુઓ માટે એકમાત્ર શરણ લેવું હોય તો એ ભારત એકમાત્ર દેશ છે. પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પાડીને મસ્જિદો બનાવવામાં આવી રહી છે. જો મુસ્લિમોએ બીજા દેશમાં શરણ લેવું હોય તૌ વિશ્વમા ૧૫૦ દેશો છે, પરંતુ હિન્દુઓએ બીજા દેશમાં શરણ લેવું હોય તૌ માત્ર ભારત એક દેશ છે. માટે વૈશ્વિક લઘુમતી જેવા કે હિંદુ, શીખ, પારસી, બૌદ્ધ વગેરેનું રક્ષણ કરવું આપણી ફરજ છે.
જયારે કૅબિનેટમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ‘ આ કાયદો દેશના કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવવા માટે નથી પરંતુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુ શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેનો છે. કાંગ્રેસ આ મુદ્દે રાજકારણ ખેલી રહી છે.