નાગરિક કાનૂન રાજકીય હિત ધરાવનારા અફવા ફેલાવી રહ્યા છે : મોદી
કોલકતા: નાગરિકતા સુધારા કાનુનને લઈને પશ્વિમ બંગાળમાં ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકતામાં બેલુર મઠથી પોતાના સંબોધનમાં આ કાનુનને લઈને કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનુન નાગરિકતા આપવા માટેનું કાનુન છે. કોઈની નાગરિકતા આંચકી લેવા માટેનું કાનુન નથી. જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનુને લઈને યુવાઓમાં ભારે ચર્ચા છે. અનેક સવાલ યુવાનોના મનમાં આવી ગયા છે. મોટી સંખ્યામાં યુવાનો અફવાના શિકાર થઈ રહ્યા છે.
કોઈના નામનો ઉલ્લેખ કર્યા વગર મમતા બેનર્જી સહિત વિપક્ષી નેતાઓ પર મોદીએ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ કાનુનને રાતોરાત નહીં બલકે ખુબ જ વિચારણા કરીને બનાવવામાં આવ્યા બાદ તેને લાગુ કરવાની હિમત વર્તમાન સરકારે કરી છે. કેટલાક રાજકીય પક્ષો જાણીજાઈને નાગરિક સુધારા કાનુન સમજવા માટે ઈચ્છુક નથી.
આ કાનુનથી પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઈ રહેલા ધાર્મિક અત્યાચારની બાબત વિશ્વની સમક્ષ આવી છે. વિશ્વના દેશો પાકિસ્તાનમાં થતા અત્યાચારને સમજી શક્યા છે. તેમણે કહ્યું હતું કે, આ કાનુનને અમલી કરવામાં આવ્યા બાદ હવે પાકિસ્તાનને જવાબ આપવાના રહેશે કે લઘુમતીઓ પર અત્યાચાર કેમ કરવામાં આવી રહ્યા છે.
બેલુર મઠને પોતાના ઘર તરીકે ગણાવીને મોદીએ કહ્યું હતું કે, યુવાઓમાં ઘણી ગેરમાહિતી ફેલાવવામાં આવી છે. અફવાઓનો શિકાર થયેલા યુવાનોને સમજાવવા અને તેમને સંતુષ્ટ કરવાની અમારી જવાબદારી છે. રાષ્ટ્રીય યુવા દિવસ પર દેશ અને પશ્વિમ બંગાળ તથા નોર્થ ઈસ્ટના યુવાનોને તેઓ આ પવિત્ર ધરતી પરથી કહેવા માંગે છે કે, નાગરિકતા આપવા માટે કોઈ રાતોરાત કાયદા બનાવવામાં આવ્યા નથી. મોદીએ વિરોધ પક્ષોની જારદાર ઝાટકળી કાઢી હતી. સાથે સાથે તેમના પર પ્રહાર પણ કર્યા હતા.
નવા નાગરિક કાનુનના જારદાર બચાવમાં દેખાતા મોદીએ કહ્યું હતું કે, આના કારણે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચારથી વિશ્વના દેશો વાકેફ થયા છે. રામ કૃષ્ણ મિશનના હેડ ક્વોટર બેલુર મઠ ખાતે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, અમને આ બાબત જાણવાની જરૂર છે કે, કેટલીક બાબતો ખુબ સાવચેતીથી સમજવાની જરૂર છે. પોતાના સંબોધનમાં મોદીએ કોઈના નામનો ઉલ્લેખ કર્યો ન હતો પરંતુ મહાત્મા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, રાષ્ટ્રપિતાએ પણ ધાર્મિક અત્યાચારનો શિકાર થયેલા અને ભારત આવેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાની તરફેણ કરી હતી. તેમની સરકાર સ્વતંત્રતા સેનાઓની ઈચ્છા પૂર્ણ કરી રહી છે.
ઉત્તર-પૂર્વમાં સીએએ વિરોધનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, તમામની ઓળખ અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે સરકાર કટીબદ્ધ છે. મોદીએ એમ પણ ઉમેર્યું હતું કે, રાજકીય હિત ધરાવતા લોકો નવા નાગરિક કાનુનને લઈને અફવા ફેલાવી રહ્યા છે. સીએએ અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં બિનજરૂરી રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પાકિસ્તાનમાં અત્યાચારનો શિકાર થયેલા લોકો માટે લાઈફમાં સુધારો થશે. મોદીએ ઉમેર્યું હતું કે, પાંચ વર્ષ અગાઉ દેશના યુવાનોમાં નિરાશા હતી પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. સમગ્ર વિશ્વ આજે દેશના યુવાનો પાસેથી ધણી અપેક્ષાઓ રાખે છે. આજના યુવાનો પડકારોથી ભયભીત નથી. પડકારોને પડકાર ફેકવામાં આવે છે.