Western Times News

Gujarati News

પક્ષીઓની ત્વરિત અને અસરકારક સારવાર માટે ‘કરૂણા અભિયાન’

પક્ષીઓની ચિંતા એટલે ‘કરૂણા અભિયાન’ -મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી 
મુખ્યમંત્રીશ્રીએ પતંગની દોરીથી ઘાયલ થતા પશુ-પક્ષીની વન્યજીવ સંભાળ કેંદ્રમાં સારવાર નિહાળી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, મકરસંક્રાતિ અતી મહત્વનો ઉત્સવ છે. ઉત્તરાયણમાં પતંગ અને દોરીનુ વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. દોરીને કારણે માનવીની સાથે પક્ષી પણ ઘવાય છે ત્યારે નિ:સહાય પક્ષીઓને ત્વરીત સારવાર મળે તે અત્યંત જરૂરી છે.

અમદાવાદના વન્યજીવ સંભાળ કેંદ્ર પર પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય સરકારે પક્ષીઓની ત્વરિત અને અસરકારક સારવાર માટે ‘કરૂણા અભિયાન’ ચલાવ્યું છે. તેમણે કહ્યું કે, પશુપાલન વિભાગ, વન વિભાગ અને સ્વૈછિક સંસ્થાઓના સહયોગથી પતંગની દોરીથી પક્ષીના જીવ બચાવવા કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, કરૂણા અભિયાન અંતર્ગત હેલ્પલાઇન નંબર, સ્થળ પર સારવાર માટે એમ્બ્યુલન્સ અને આઇ.સી.યુ.ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પક્ષી ફરીથી ઊડવાને સક્ષમ બને ત્યાં સુધી તેને સારવાર કેંન્દ્રમાં રાખવામાં આવે છે.  મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, જીવ-દયાનું કામ કરતી અનેક સ્વૈછિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાઇ છે. ૬૫૦ હોસ્પિટલ અને ૫૦૦૦ સરકારી કર્મચારીઓ સહિત ૧૩૫૦૦ લોકો કરૂણા અભિયાનમાં જોડાયા છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે આ અભિયાન શરૂ થયા પૂર્વે અંદાજે ૩૫ હજારથી વધુ પક્ષીઓ ઉતરાયણ દર વર્ષે મૃત્યુ પામતા હતા. કરુણા અભિયાન થકી લોકો અને પતંગ રસિકો જાગૃત બન્યા છે.  મુખ્યમંત્રીશ્રીએ ચાઇનીઝ, પ્લાસ્ટિક અને કોટેડ દોરી તથા તુક્કલના વ્યાપારી અને તેના ઓનલાઇન વિક્રેતા સામે પણ કડક કાર્યવાહી કરી દરેક જીવને અભયદાનની નેમ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કરૂણા અભિયાન અંતર્ગત વન્યજીવ સંભાળ કેંદ્રની મુલાકાત વેળાએ પતંગની દોરીથી ઘાયલ થતા પશુ-પક્ષીની સઘન સારવાર નિહાળી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કરૂણા અભિયાન અંતર્ગત કાર્યરત સ્વૈછિક સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. વન્યજીવ સંભાળ કેંદ્ર પરનાં કરૂણા અભિયાન સિગ્નેચર કેમ્પેઈન બોર્ડ પર મુખ્યમંત્રીશ્રીએ તેઓના હસ્તાક્ષર સાથે ‘પક્ષીઓની ચિંતા એટલે કરૂણા અભિયાન’ લખી જીવદયાનો સંદેશ આપ્યો હતો.  આ અવસરે વન અને પ્રવાસન મંત્રી શ્રી ગણપત વસાવા, ધારાસભ્ય શ્રી ભુપેંદ્ર પટેલ, મેયર શ્રિમતી બિજલબેન પટેલ, વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ગુપ્તા, કલેક્ટર શ્રી કે. કે. નિરાલા, વન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને વન્યજીવ-પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.