Western Times News

Gujarati News

ઈઝરાયલ સામે હિઝબુલ્લાહ ગભરાયું! યુદ્ધવિરામ અંગે વાતચીત માટે તૈયાર

(એજન્સી)ગાઝા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા હુમલામાં ઈઝરાયલે હિઝબુલ્લાહના એક-પછી એક ઠેકાણે હુમલાઓ કરતાં હવે આ આતંકી સંગઠન આત્મસમર્પણ કરવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે. હિઝબુલ્લાહના નવા નેતા નઈમ કાસિમે બુધવારે સંકેત આપ્યો કે, જો તક મળી તો તે શરતોને આધિન આ યુદ્ધ પર વિરામ મૂકવા સહમતિ આપી શકે છે.

ઈઝરાયલ હિઝબુલ્લાહના વિવિધ સ્થળો પર હુમલો કર્યા બાદ હવે તે તેની નાણાકીય સંપત્તિ અને હથિયારોના કેમ્પને નિશાન બનાવી રહ્યું છે. ગયા મહિને તેના નેતા હસન નસરાલ્લાહની હત્યા બાદ નેતૃત્વ સંભાળનાર કાસિમે જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ લાંબા સમયથી ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીનો પ્રતિકાર કરવા તૈયાર છે. જો કે, જો ઇઝરાયેલ વિશ્વસનીય દરખાસ્તો રજૂ કરે તો વાટાઘાટો દ્વારા યુદ્ધવિરામ કરી શકે છે.

ઈઝરાયલની સેનાએ પૂર્વીય શહેર બાલબેકને નિશાન બનાવી હુમલાઓ કર્યા છે. જે હિઝબુલ્લાહનું ગઢ ગણાય છે. હાલમાં જ ઈઝરાયલી હવાઈ હુમલામાં કથિત રીતે હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડર માર્યો ગયો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. બાલબેકમાં જ ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયા હતા.

લેબનોનના વડાપ્રધાન નજીબ મિકાતીએ યુદ્ધ વિરામની સંભાવનાઓ ચકાસવા કહ્યું હતું. તેમણે અમેરિકી દૂત અમોસ હોચસ્ટીનને કહ્યું હતું કે, ૫ નવેમ્બરના અમેરિકાની ચૂંટણી પહેલાં એક સમાધાન કરવામાં આવી શકે છે. ઈઝરાયલના ઉર્જા મંત્રી એલી કોહેને સંભવિત યુદ્ધ વિરામ શરતો વિશે સુરક્ષા કેબિનેટમાં ચાલી રહેલી ચર્ચાઓની ખાતરી કરી છે.

ઈઝરાયલની સરહદો નજીકથી હિઝબુલ્લાહની સેનાએ પીછેહટ કરી છે. ઈઝરાયલ દ્વારા સપ્ટેમ્બરથી લેબનોન પર થઈ રહેલા હુમલામાં લગભગ ૧૭૫૪ લોકો માર્યા ગયા છે. અગાઉ પણ ઈઝરાયલે કરેલા વિનાશક હુમલા બાદ હિઝબુલ્લાહ કુણુ પડ્યું હતું અને ઈઝરાયલ સાથે શાંતિ માટેની વાટાઘાટો કરવા તૈયાર થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.