Western Times News

Gujarati News

મોદી સરકારે પેન્શન ધારકોને આપી દિવાળીની ભેટ

કેન્દ્ર સરકારે પેન્શનરોને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો આપવા માટેનો આદેશ જારી કર્યો

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેન્શનરોને દિવાળીની ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પેન્શનરોને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો આપવાનો આદેશ જારી કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે ૧૬ ઓક્ટોબરે કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને ત્રણ ટકા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના વધારાના હપ્તાને મંજૂરી આપી હતી. આ વધારો ૧ જુલાઈ, ૨૦૨૪થી કરવામાં આવ્યો હતો.

પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના તમામ પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો માટે ૩૦ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ એક આદેશ જારી કર્યો છે, એમ કર્મચારી મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. નિવેદન અનુસાર, હવે ફેમિલી પેન્શનરો સહિત કેન્દ્ર સરકારના પેન્શનરો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની વધુ રકમ મેળવવા માટે હકદાર છે.

આ હેઠળ, તેમને તેમના મૂળભૂત પેન્શન/ફેમિલી પેન્શનના ૫૦ ટકાને બદલે ૫૩ ટકા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મળશે. આ વધારો ૧ જુલાઈથી લાગુ થશે. એટલે કે છેલ્લા ચાર મહિનાથી વધેલા ભથ્થાને કારણે પેન્શનરોને બાકી રકમ મળશે.

આ ઉપરાંત પંજાબ સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે. પંજાબ સરકારના ૬.૫૦ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનધારકોના પરિવારોને દિવાળીની ભેટ આપતાં મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે તેમના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના વધારાની જાહેરાત કરી, એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

મુખ્યમંત્રી કાર્યાલયના પ્રવક્તાને ટાંકીને જારી કરાયેલા નિવેદન મુજબ, મુખ્યમંત્રીએ ૧ નવેમ્બરથી કર્મચારીઓ અને પેન્શનરોને ચાર ટકા મોંઘવારી ભથ્થું (ડ્ઢછ) આપવાની મંજૂરી આપી છે. આ રીતે ડ્ઢછ ૩૮ ટકાથી વધીને ૪૨ ટકા થયો.

દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે આ નિર્ણયથી ૬.૫૦ લાખથી વધુ કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારોને ફાયદો થશે. કર્મચારીઓને રાજ્ય વહીવટીતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવતા તેમણે કહ્યું કે તેમના હિતોનું રક્ષણ કરવું અને તેમનું કલ્યાણ સુનિશ્ચિત કરવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે.

કેન્દ્રમાં એનડીએની સરકાર આવ્યા બાદ એક પછી એક કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી લેવાયેલા આ નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સરકારના આ નિર્ણયને કર્મચારી મહામંડળે આવકાર્યાે છે. પેન્શનરો માટે આ ખૂબ જ રાહતના સમાચાર છે. મોટાભાગના પેન્શનરો નિવૃત્ત જીંદગી ગુજારતા હોય છે. જેને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.