પાલડીમાં ઓફીસનું તાળું તોડી પ લાખની ચોરી
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ચોરીનો સિલસિલો જારી રહેતા સેટેલાઈટ, પાલડી, ઓઢવમાં ઘરફોડ ચોરીઓ નોંધાઈ છે જયારે ઈસનપુરમાં બીઆરટીએસમાંથી ૪૦ હજારની ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
પાલડી પ્રિતમનગર અખાડા નજીક રહેતા અનંતભાઈ શાહની ઓફીસ પ્રતિક્ષા કોમ્પલેક્ષ પાલડી ખાતે આવેલી છે જેમાં તે એકાઉન્ટ કન્સલટન્સી ચલાવે છે
ઉત્તરાયણના તહેવાર દરમિયાન સુરત ખાતે ગયેલા અનંતભાઈને પોતાની ઓફીસમાં ચોરી થયાની જાણ થતાં તે તુરંત અમદાવાદ ખાતે પરત ફર્યા હતા ત્યારે ઓફીસના તાળાં તોડીને તસ્કરોએ તિજારીમાંથી અઢી લાખનું સોનું તથા અઢી લાખ રૂપિયા રોકડા ચોર્યા હોવાની જાણ થતાં તેમણે પાલડી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ કરી છે.
સેટેલાઈટમાં આવેલા ઈસ્કોન મંદીરમાં સંદીપભાઈ શાહ (રહે. ઈસ્કોન પાર્ક, સેટેલાઈટ) પુત્રીના લગ્ન ત્યાં નિત્યાનંદ હોલમાં રાખવામાં આવેલા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ બપોરે બધા ફોટો શેસનમાં વ્યસ્ત હતા એ સમયે અજાણ્યા તસ્કરોએ તેમની દિકરીને આપવાના રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના ઘરેણા ભરેલી બેગ ચોરી કરી હતી જેની ફરીયાદ તેમણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ઓઢવમાં આવેલા ગુરૂ રાજેન્દ્ર એસ્ટેટમાં પણ ચોરીની ઘટના બની છે પાર્શ્વનાથ ટ્રેડીંગ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકીને તેમાંથી રૂપિયા એક લાખ બાસઠ હજારનો સામાન ચોરી ગયા હતા જેના પગલે ઓઢવ પોલીસ તપાસ ચલાવી રહી છે. રામોલ સીટીએમ ખાતે ઈન્દીરાનગરમાં રહેતા રોહન ભાવસાર ગઈકાલે બીઆરટીએસ બસમાં ગોવિંદવાડી ખાતે જતા હતા એ વખતે બસમાં ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સે તેમના ખિસ્સામાંથી રૂપિયા ૪૦ હજાર ચોરી લીધા હતા જેની ફરીયાદ તેમણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.