મહિને 7000 કમાતા વ્યક્તિને ઈન્કમટેક્સ વિભાગની ₹ 3.40 કરોડની નોટિસ
ભિંડ: મધ્ય પ્રદેશના ભિંડના મિહોનામાં રહેનારા રવિ ગુપ્તાને ઈન્કમ ટેક્સ વિભાગે સાડા ત્રણ કરોડ રુપિયાની નોટિસ પાઠવી છે. રવિ ગુપ્તાના બેંકના ખાતામાં 132 કરોડ રુપિયાની લેવડ-દેવડ થઈ છે. જેના ટેક્સની કિંમત આટલી આંકવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, જે સમયે આ મામલો સામે આવ્યો, તે સમયે રવિ મહિને 7 હજાર રુપિયાના પગારની નોકરી કરતો હતો. મુંબઈમાં જ્યાં આ બેંક ખાતુ ખોલવામાં આવ્યું હતું. તે વિસ્તારમાં PNB કૌભાંડમાં ફરાર મેહુલ ચોક્સીની પણ ઓફિસ આવેલી છે. 132 કરોડ રુપિયાની લેવડ-દેવડ મામલે નોટિસ મળતા ખાતા ધારક રવિ હેરાન થઈ ગયો કારણ કે, જે ખાતામાં લેવડ-દેવડ થઈ છે, તે ખાતાને ક્યારેય ખાતા ધારકે બેંકમાં ખોલાવ્યું જ નહતું. હવે ખાતા ધારક યુકવ આ મામલે ઓનલાઈન ફરિયાદ દાખલ કરાવી છે.
આ અંગે પંજાબના લુધિયાનામાં એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા રવિએ જણાવ્યું કે, માર્ચ -2019માં તેને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી હતી. જેમાં તેમની આવક ઈન્કમટેક્સ અંતર્ગત આવતી હોવાથી આવક પર ટેક્સ જમા કરવા જણાવ્યું હતું. શરૂઆતમાં રવિએ આ નોટિસ પર ધ્યાન નહતુ આપ્યું. જો કે થોડા દિવસો બાદ ઈન્કમટેક્સ તરફથી બીજી એક નોટિસ મેલ પર મોકલવામાં આવી. જેમાં જણાવ્યું હતું કે, તેમના ખાતામાં 132 કરોડ રુપિયાની લેવડદેવડ થઈ છે. આ કારણે તેમને સાડા ત્રણ કરોડ રુપિયાના ટેક્સની નોટિસ મોકલવામાં આવી છે. આ બાબતે જ્યારે રવિએ ગ્વાલિયર ઈન્કમટેક્સ વિભાગનો સંપર્ક કર્યો, ત્યારે જાણવા મળ્યું કે, મુંબઈની એક્સિસ બેંકની મલાડ શાખામાં રવિના નામે એક ખાતું છે. જેમાં 132 કરોડ રુપિયાની લેવડદેવડ થઈ છે. રવિએ જ્યારે એક્સિસ બેંક પાસે પોતાના ખાતાની જાણકારી માંગી તો સામે આવ્યું કે, આ ખાતાને તેમને પાન કાર્ડ અને તેમના જ ફોટાના ઉપયોગથી ખોલવામાં આવ્યું હતું.
આ વાત સામે આવતા રવિએ પોલીસમાં ફરિયાદ નોંધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસે મુંબઈનો મામલો હોવાનું જણાવી ફરિયાદ લેવાનો ઈન્કાર કર્યો હતો. જે બાદ રવિએ આ અંગે ઈન્કમટેક્સ વિભાગને પણ ફરિયાદ કરી, પરંતુ કોઈ ફાયદો ના થયો. આખરે રવિએ પોતાની ફરિયાદ SP પોલીસ પોર્ટલ પર જઈને કરી. આ સાથે જ મહારાષ્ટ્ર સરકારમાં પણ ઓનલાઈન ફરિયાદ કરી છે. રવિએ જણાવ્યું કે, મુંબઈની એક્સિસ બેંકમાં તેમનું જે ખાતુ કહેવાય છે, તે સરનામા પાસે જ મેહુલ ચોક્સીની અનેક કંપનીઓ રજિસ્ટર્ડ છે. રવિ ગુપ્તાએ સમગ્ર મામલે CBI તપાસની માંગ કરી છે.