કેનેડામા ભારતીય સ્ટુડન્ટની ગોળી મારીને હત્યા કરાઈ
૨ વ્યક્તિએ સીડીથી ધક્કો મારી ફાયરિંગ કર્યું
આ ઘટનાના કથિત સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા
ઓટાવા,કેનેડાના એડમોન્ટનમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા ૨૦ વર્ષીય ઈન્ડિયન સ્ટુડન્ટની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એડમોન્ટલ પોલીસ દ્વારા આ મૃતક વિદ્યાર્થીની ઓળખ પંજાબ રાજ્યના હર્ષનદીપ સિંહ તરીકે કરવામાં આવી છે. જોકે પોલીસે આ અપાર્ટમેન્ટને સીલ કરી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી દીધી છે. બીજી બાજુ હર્ષનદીપ સિંહ પર ફાયરિંગ કરનારા ૨ શંકાસ્પદોની પોલીસે ધરપકડ પણ કરી દીધી છે. ૬ ડિસેમ્બરના રોજ ૧૦૬ એન્ડ ૧૦૭ એવન્યુ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ભારતીય મૂળનો સ્ટુડન્ટ હર્ષનદીપ સિંહ સિક્યોરિટી ગાર્ડ તરીકે તહેનાત હતો.
તેવામાં આ અપાર્ટમેન્ટની બહાર કેટલાક લોકો વચ્ચે હાથાપાઈ થઈ હતી. બાદમાં અચાનક આ જૂથથી કેટલાક લોકો એપાર્ટમેન્ટમાં આવી ગયા હતા અને ફાયરિંગની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાક્રમના કથિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં હુમલો કરનાર એક પુરુષ હતો અને તેની સાથે એક મહિલા પણ જોવા મળી હતી. ૨૦ વર્ષીય સિક્યોરિટી ગાર્ડ હર્ષનદીપ સિંહને આ હુમલો કરનાર શખસે સીડીઓ પરથી નીચે ફેંકી દીધો હતો અને બાદમાં પાછળથી તેના પર ગોળી ચલાવી દીધી હતી.
વાયરલ સીસીટીવી ફૂટેજમાં આ સ્ટુડન્ટ સીડીઓ પરથી નીચે ઢળી પડેલો જોવા મળે છે. જોકે આ તમામ વાયરલ સીસીટીવી ફૂટેજની પોલીસે સત્તાવાર પુષ્ટી કરી નથી.એડમોન્ટન પોલીસ અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે, શુક્રવારે કેનેડાના એડમોન્ટનમાં એક એપાર્ટમેન્ટમાં ૨૦ વર્ષીય ઈન્ડિયન સ્ટુડન્ટની હત્યા કરી દેવામાં આવી હતી. અત્યારે આ કેસની તપાસ ચાલી રહી છે. જેના બે આરોપીઓ-ઇવાન રેન અને જુડિથ સોલ્ટોની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક હર્ષનદીપ સિંહ કે જે સિક્યોરિટી ગાર્ડ તરીકે અહીં કામ કરતો હતો તે શુક્રવારે સવારે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ફાયરિંગ બાદ મૃત હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી પણ તે બચી ન શક્યોપોલીસે વધુમાં જણાવ્યું કે એડમોન્ટનમાં ફાયરિંગની ઘટના બની હોવાની જાણ અમને થઈ હતી. અમે ૧૦૭ એવન્યુના વિસ્તારમાં જઈને તપાસ કરી તો આ અપાર્ટમેન્ટમાં હર્ષનદીપ સિંહ સીડીઓ પર ઢળી પડેલો હતો અને કોઈ જ પ્રતિક્રિયા નહોતો આપી રહ્યો. બાદમાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો જ્યાં તેને ડોકટરે મૃત જાહેર કરી દીધો હતો. બીજી બાજુ બંને આરોપીઓ પાસેથી પોલીસે જેનાથી હત્યા કરવામાં આવી તે ગન પણ જપ્ત કરી દીધી છે. ઈન્વેસ્ટિગેટર્સે દાવો કર્યો છે કે આ હત્યામાં ધરપકડ કરાયેલા બે આરોપીઓ સિવાય ત્રીજી કોઈ વ્યક્તિ સામેલ નથી. જોકે હજુ સુધી ભારતીય સ્ટુડન્ટની હત્યા કેમ કરવામાં આવી એની પાછળનું કારણ સામે નથી આવ્યું. સોમવારે મૃતકની ઓટોપ્સી થશે અને બાદમાં વિગતે તપાસ શરૂ કરાશે.ss1