Western Times News

Gujarati News

કાલુપુરમાં આંગડીયા પેઢીનો મેનેજર ૨૬ લાખની રોકડ લઈ ફરાર

પેઢીની તમામ બ્રાંચના વાર્ષિક રોકડમાં આવ્યો હતોઃ અન્ય પેઢીઓમાં પણ ફફડાટ

(પ્રતિનિધિ) અમદાવાદ: કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે જતાં શહેરમાં ગણતરીના દિવસોમાં જ ગંભીર પ્રકારના ઘણાં ગુના બની ગયા છે. ખાસ કરીને વેપારીઓની સ્થિતિ  કફોડી બની છે એક તરફ ચોર અને લુંટારા ઘરફોડ અને અન્ય ગુના દ્વારા વેપારીઓને પરેશાન કરી રહયા છે બીજી તરફ ઓછા સમયમાં વધુ નાણાં કમાવવાની લાલચે કેટલીક કંપનીઓમાં કર્મચારીઓ જ હિસાબોમાં મોટા ગોટાળા કરીને લાખો રૂપિયાની ઉચાપત આચરી રહયા છે જેના પગલે વેપારીઓ પરેશાન છે.


ગઈકાલે મોડી રાત્રે બાપુનગરમાં આંગડીયા પેઢીના કર્મચારીને બંદુકની અણીએ લુંટી લેવાયાની ઘટના હજી તાજી છે જેની તપાસમાં ક્રાઈમબ્રાંચ પણ જાડાઈ છે આ દરમિયાન જ કાલુપુરમાં આવેલી એક આંગડીયા પેઢીના મેનેજર દ્વારા છવ્વીસ લાખ રૂપિયાની ઠગાઈ કરવાની ફરીયાદ નોંધવામાં આવી છે. પેઢીના વાર્ષિક હિસાબો દરમિયાન આ ગોટાળો બહાર આવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે સરસપુરની તપોવન સોસાયટીમાં રહેતા જયેશભાઈ પટેલ બાપુનગરમાં અરુણ ચેમ્બર્સ ખાતે પટેલ મહેન્દ્રભાઈ અરવિંદકુમાર એન્ડ કંપની નામે આંગડીયા પેઢી ધરાવે છે. ભાવનગર, અમરેલી, જુનાગઢ અને સુરત ખાતે અન્ય પેઢીઓ ધરાવતા જયેશની બીજી એક બ્રાંચ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રતનપોળ મરચીપોળમાં પણ આવેલી છે જેમાં મેનેજર તરીકે રોહીતસિંહ વાઘેલા ત્રણ વર્ષથી કાર્યરત છે જયેશભાઈની તમામ પેઢીઓનો વાર્ષિક હિસાબ ૩૧ ડિસેમ્બર બાદ કાલુપુર બ્રાંચ ઉપર રોકડમાં આવતો હોય છે.

વર્ષ ર૦૧૯નો તમામ હિસાબ કાલુપુર બ્રાંચમાં આવી ગયો હતો. બાદમાં જયેશભાઈએ રોહીતસિંહનો સંપર્ક કરતા કંપનીના તથા પ્રાઈવેટ બંને ફોન સ્વીચ ઓફ આવતા હતા જેથી તેમણે અન્ય કર્મચારીઓને આ સંદર્ભે પુછપરછ કર્યા બાદ પોતાના પાર્ટનર જયમીનભાઈ સાથે કાલુપુર પેઢીએ પહોંચી જતા પેઢીને તાળું મારેલું જાયું હતું.


પેઢીના અન્ય કર્મચારી પણ ત્યાં પહોંચી જતાં રોહીતે પાડોશી દુકાનમાં આપેલી ચાવી વડે પેઢી ખોલી ઓફીસ ખાલી જણાઈ હતી ઉપરાંત કંપનીના વાર્ષિક હિસાબની મોટી રકમ પણ ગાયબ જણાતાં જયેશભાઈ અને તેમના પાર્ટનરને ફાળ પડી હતી જેથી મેનેજર રોહીતનો વારંવાર સંપર્ક કરવા છતાં ફોન બંધ આવતો હોઈ જયેશભાઈએ રોહીતના ઘરે ભક્તિનગર બાપુનગર ખાતે પહોચી જતાં ત્યાં ઘરને તાળા લાગેલા હતા જેથી તાબડતોબ જયેશભાઈ તથા અન્ય લોકો તેમના ગામ ગાંધીનગર નજીક ભોયણ ખાતે પહોંચતા રોહીતની પત્ની રીકીબેન મળી આવ્યા હતા જેણે જણાવ્યું હતું કે રોહીતે બે દિવસ અગાઉ પોતાની સાથે ઝઘડો કરતાં પોતે બે દિવસથી ગામડે આવી ગઈ છું.

જયેશભાઈએ રોહીતે આચરેલા કાંડ વિશે જણાવતા તેનો પરિવાર પણ ચોંકી ઉઠયો હતો રોહીતના પરીવારને પણ તેની જાણ ન હોઈ પરત ફરેલા જયેશભાઈએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં રોહીત વિરુધ્ધ રૂપિયા છવ્વીસ લાખની ચોરીની ફરીયાદ નોંધાવી હતી. રોહીત સુરતની પેઢીના પાંચ લાખ, રાજકોટના દોઢ લાખ, બાપુનગરના ચૌદ લાખ, ભાવનગરના દોઢ લાખ, અમરેલીમાંથી દસ હજાર તથા જુનાગઢ પેઢીના રૂપિયા ત્રણ લાખ જેટલા લઈને ભાગી ગયો હતો.

છેલ્લા ચારથી પાંચ દિવસથી રોહીત રહસ્યમય રીતે ગાયબ થઈ જતા પોલીસ પણ હવે તેને શોધવા માટે સક્રીય થઈ છે અને તેના પરીવાર અને મિત્રો તથા અન્ય લોકોની પુછપરછ આદરી છે. ઉપરાંત તેના મોબાઈલના સીડીઆર તથા લોકેશન મેળવીને પણ તેની ભાળ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. છવ્વીસ લાખ લઈને આંગડીયા પેઢીનો મેનેજર ભાગી જતા શહેરના અન્ય પેઢીઓના માલિકો તથા વેપારીઓ પણ ગભરાઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.