નિર્ભયાના ગુનેગારોને 1લી ફેબ્રુઆરીએ ફાંસીઃ નવું ડેથ વોરંટ જાહેર
નવી દિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતોનું નવું ડેથ વોરંટ જાહેર થઈ ગયું છે. ચારેય દોષિતોને હવે 1લી ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષિત મુકેશની દયા અરજી ફગાવી દીધી હતી. ચારેય દોષિતોને પટિયાલા હાઉસ કોર્ટે 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી પર લટકાવવાની તારીખ નક્કી કરી હતી પરંતુ તે બાદ દોષિત મુકેશ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે ક્યૂરેટિવ પિટીશન ફગાવ્યા બાદ મુકેશે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 2016માં મુકેશ સહિત ચાર દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. હવે મુકેશ માટે તમામ કાયદાકીય વિકલ્પો પુરા થઈ ગયા છે.
નિર્ભયા કેસના ચારેય ગુનેગારો મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય સિંહ અને પવન ગુપ્તાને દિલ્હીની કોર્ટે ગયા સપ્તાહે સાત વર્ષ જૂના કેસમાં ડેથ વોરંટ જાહેર કરી 22મી જાન્યુઆરીએ ફાંસી આપવાના નિર્દેશો આપ્યા હતા.જોકે, આ દોષિતોમાંથી એક મુકેશ સિંહે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી અને તેણે તેના ડેથ વોરંટને પટિયાલાની કોર્ટમાં પડકાર્યું હતું. બીજી તરફ નિર્ભયાના દોષિતોને સજામાં તારીખ પે તારીખ પર નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, જે ગુનેગારો ઈચ્છે તે થઈ રહ્યું છે, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. આપણી સિસ્ટમ જ આવી છે કે જ્યાં દોષિતોનું સાંભળવામાં આવે છે.