Western Times News

Gujarati News

રખડતાં ઢોરની ફરિયાદ બાદ ચેકિંગ, ૩ પશુમાલિકોના લાઈસન્સ રદ

File

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ગોતા વોર્ડમાં સોલા, ઈસનપુર- ઘોડાસર અને નરોડા વોર્ડમાં રખડતા ઢોર જોવા મળતાં ત્રણ પશુ માલિકોના લાયન્સ રદ કરવામાં આવ્યા છે. ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન રખડતી ગાય પર લાગેલી ચીપના લીધે તેના પશુ માલિકની ઓળખ કરવામાં આવી હતી.

લાઈસન્સ રદ થવાના પગલે હવે ત્રણેય પશુ માલિકો પોતાની પાસે પશુઓ રાખી શકશે નહીં, અને તેમની પાસેના તમામ પશુઓ તેમણે શહેરની બહાર ખસેડવા પડશે. સીએનસીડી વિભાગ દ્વારા જાન્યુઆરી માસના ૭ દિવસમાં જ ૭૧ રખડતા ઢોર પકડવામાં આવ્યા છે.

જુલાઇ-૨૦૨૪થી ડિસેમ્બર- ૨૦૨૪ સુધીના ૬ માસના સમય દરમિયાન ૩૧૯૧ રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. શહેરના ચાંદખેડા, મોટેરા, સાબરમતી, નવાવાડજ, રાણીપ, ન્યુ રાણીપ, ઓઢવ, નરોડા, નિકોલ, સોલા, ચાણક્યપુરી, ઈસનપુર, ગોતા, નવા નિકોલ, વસ્ત્રાલ, અમરાઇવાડી, વિરાટનગર સહિતના વિસ્તારોમાં ખૂબ ઢોર રખડતા જોવા મળી રહ્યા છે.

શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર અંગેની ફરિયાદો મળવાને પગલે સીએનસીડી વિભાગની ટીમ દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં શહેરમાં ૧૦૭૭ જેટલા પશુ માલિકોને લાઈસન્સ આપવામાં આવ્યા છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા પછી મ્યુનિ.ના સીએનસીડી વિભાગ દ્વારા રખડતા ઢોર પકડવા માટેની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ફક્ત લાઈસન્સ ધારકોને જ પશુઓ રાખવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.