“કોઈપણ AMC કર્મચારીની ૩ વર્ષે બદલી થશેઃ છ વર્ષ સુધી બદલી થયેલ જગ્યા પર પરત આવી નહિ શકે”
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલીપાત્ર જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની ઘણા સમયથી બદલીઓ થઈ નથી. કર્મચારીઓ એક જ જગ્યા પર વર્ષોથી ફરજ બજાવતા જે તે વિભાગની રજે રજ થી માહિતગાર હોય છે અને તેના કારણે ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન મળે છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં ટેકનીકલ સુપરવાઈઝરનું ભરતી કૌભાંડ આનું તાજું ઉદાહરણ છે. ભવિષ્યમાં આવી ગેરરીતિઓ ન થાય તેમજ પ્રજા ના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે મ્યુનિ.સ્ટેન્ડીંગ કમિટી ની બેઠકમાં તાકીદની દરખાસ્ત લાવી બદલી અંગેની નવી નીતિને મંજુર કરવામાં આવી છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનમા વહીવટી કેડર તથા ટેકનીકલ કેડરમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓ કે જેઓ બદલીપાત્ર જગા(એકસ કેડર સિવાય) પર ફરજ બજાવતા હોય છે તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી એકની એક જ જગા પર ફરજ બજાવી રહયા હોવાની વિગતો બહાર આવી છે.
રાજય સરકારમાં પણ વધુમાં વધુ ૩ વર્ષે બદલીપાત્ર જગા પર ફરજ બજાવતા અધીકારી/કર્મચારીઓની બદલી કરવા અંગેની નિતિ અમલમાં છે જયારે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં સદર બાબતની કોઈ નીતી સ્ટે.કમિટી મારફતે મંજુર થયેલ નથી જેથી વહીવટી કે ટેકનીકલ કેડર કે જે જગા બદલીપાત્ર હોય તે જગા પર કોઇપણ અધીકારી કે કર્મચારી(વર્ગ ૧ થી વર્ગ ૩) વધુમાં વધુ ૦૩ વર્ષ સુધી ફરજ બજાવી શકે તે મુજબની નિતિ નકકી કરવામાં આવી છે.
આમ, વર્ગ ૦૧ થી વર્ગ ૦૩ ના જે અધિકારીશ્રીઓ કે કર્મચારીઓ બદલીપાત્ર જગા પર ૦૩ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગા પર ફરજ બજાવતા હોય તેઓને મ્યુ.કમિશ્નરે અન્ય બદલીપાત્ર જગાએ મુકવાના રહેશે.કોઇ એક જગા પર એકવાર ૦૩ વર્ષ વર્ગ ૦૧ થી વર્ગ ૦૩ ના અધિકારી કે કર્મચારીએ ફરજ બજાવી હોય તે જ જગા પર બીજા ૦૬ વર્ષ સુધી મુકી શકાશે નહી તે મુજબની પણ નીતી નક્કી કરવાની મંજુરી આપવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે કોર્પોરેશન માં હાલ ફરજ બજાવતા ૯૦ ટકા કર્મચારીઓ ની છેલ્લા ૫ વર્ષથી એક જ જગ્યા પર કામ કરી રહયા છે. પરંતુ સેન્ટ્રલ ઓફિસ ઘ્વારા આ મુદ્દે કોઈ જ પ્રક્રિયા કરવામાં આવતી નથી જેના કારણે ભ્રષ્ટાચાર ને વેગ મળ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.