લોકઅપમાંથી બહાર લવાયેલા આરોપીને હાથકડી પહેરાવાશે
કસ્ટડીમાંથી આરોપીઓ નાસી જવાના મામલે પોલીસ કમિશનરે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો
(એજન્સી)અમદાવાદ, દિવાળી બાદ પોલીસ કસ્ટડીમાંથી આરોપી ભાગી જવાની ઘટનાએ માજા મૂકી છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઊભો થયો છે. પોલીસ સ્ટેશનમાં આરોપીઓને સાચવવા માટે પોલીસને ચકમો આપીને કસ્ટડીમાંથી આરોપી બિનધાસ્ત ફરાર થઈ જાય છે.
આરોપી ભાગી જવાના વધતા જતાં કિસ્સાઓને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર એકશન મોડ પર આવી ગયા છે. હવે પોલીસ કસ્ટડીમા આરોપીઓ ભાગી જાય નહીં તે માટે પોલીસ કમિશનર જી.એસ.મલિકે કેટલાક કડક નિયમો બનાવી દીધા છે.
જ્યારે પણ આરોપીને લોકઅપમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે તેને ફરજિયાત હાથકડી પહેરાવી રાખવી તેમજ આરોપી લોકઅપમાં પરત ના જાય ત્યાં સુધી સતત બે પોલીસ કર્મચારીઓ તેની સાથે સ્ટેન્ડબાય રહે છે. આ સિવાય પણ કેટલાક કડક નિયમો બનાવી દીધા છે. જેના કારણે હવે આરોપી માટે ભાગી જવું અશક્ય બની જશે.
આરોપીની ધરપકડ થાય ત્યારથી લઈને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવાની અને જેલમાં મોકલી આપવાની તમામ જવાબદારી પોલીસની રહેલી હોય છે. પોલીસ કેટલીક વખત ગુનેગારોને હળવાશથી લેતી હોય છે જેના કારણે તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી જાય છે. ગઈકાલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી બળાત્કારનો એક આરોપી ફરાર થઈ ગયો હતો જેને લઈ પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે.
બે દિવસ પહેલાં કોર્ટ સંકુલમાંથી નરોડામાં પોકસો એકટ હેઠળ નોંધાયેલા બળાત્કારનો આરોપી રાજકોટ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસ કસ્ટડીમાંથી આરોપી ભાગી જવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે હવે પોલીસ આવી ઘટના બને નહીં તે માટે સતર્ક બની છે જ્યારે આરોપી ભાગ જાય ત્યારે જે તે પોલીસ સ્ટેશનના પીએસઓ તેમજ અન્ય પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાતા હોય છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આરોપી ભાગી જવાના ચકચારી કિસ્સા બાદ હવે પોલીસ કમિશનર જી.એસ.મલિક ખુદ એકશન મોડ પર આવ્યા છે અને કેટલાક કડક નિયમો બનાવી દીધા છે. આ મામલે પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું છે કે, જ્યારે લોકઅપમાંથી આરોપીને બહાર કાઢવામાં આવશે ત્યો તેને ફરજિયાત હાથકડી પહેરાવવામાં આવશે.
આ સિવાય પોલીસ સ્ટેશનના કોઈપણ વિભાગ અથવા તો ઘટનાસ્થળે અને કોર્ટમાં પણ લઈ જવામાં આવશે તો તેની સાથે ફરજિયાત બે પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. હત્યા જેવો મોટો ગુનો આચર્યાે હોય કે મારા મારી જેવી સામાન્ય ઘટના હોય તો તમામ આરોપીઓને એકસમાન ગણવામાં આવશે. બિનજરૂરી આરોપીને લોકઅપમાંથી બહાર કાઢવામાં આવશે. પોલીસ કમિશનર એકશન મોડ પર આવતાં ખુદ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ પણ એલર્ટ મોડ પર આવી ગયા છે.
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ગઈકાલે સવારે બળાત્કારનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હોવાની વિગત સામે આવી છે. આ સમગ્ર મામલે હાલ તો સ્થાનિક પોલીસ અને અલગ અલગ એજન્સીઓએ આરોપીઓને પકડવા માટે પ્રયાસ કર્યો છે. સવારે બાથરૂમ લઈ જતાં સમયે આરોપી હાજર પોલીસ કર્મચારીને ચકમો આપીને ભાગી ગયો હતો. હાલ તો પોલીસ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પ્રયાસ હાથ ધરી રહી છે જ્યારે બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.
અગાઉ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પોલીસના જાપતા અથવા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગી ગયા હોવાનો બનાવ સામે આવ્યો હતો. હવે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી ગઈકાલે સસવારે આરોપી ભાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનમાં સવારે પોલીસ કર્મચારી હાજર હતા તે સમયે બળાત્કારના મનોજ ધોબી પોલીસ કર્મચારીને કહેતો હતો કે મારે બાથરૂમ જવું છે જેથી ત્યાં હાજર પોલીસ કર્મચારીએ લોકઅપ ખોલી તેને બહાર કાઢયો હતો.
આરોપી મનોજને જ્યારે બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે બાથરૂમ જવાનું કહીને થોડી જ વારમાં પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે જ્યારે જાણ થઈ ત્યારે ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને કઈ રીતે સમગ્ર ઘટના બની તેમજ નજીકના સીસીટીવી ફૂટેજ પોલીસ સ્ટેશનના સીસીટીવી તમામ ચેક કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ
ચોંકાવનારા કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પીએસઓ તેમજ અન્ય એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે.