Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવેના  જનરલ મેનેજરે સૂરત-વડોદરા રેલવે સેક્શન અને પ્રતાપનગર વર્કશોપનું કર્યું નિરીક્ષણ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રએ 10 અને 11 જાન્યુઆરી 2025 ના રોજ વડોદરા મંડળના સૂરત-વડોદરા રેલવે સેક્શન અને કેરેજ અને વેગન રિપેર વર્કશોપ પ્રતાપનગરનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન શ્રી મિશ્રએ રેલવે સેક્શનના સંરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ જેવા કે રેલવે ક્રોસિંગ, નાના અને મોટા પુલ, પોઈન્ટ અને ક્રોસિંગ, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ તથા વળાંકોનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું.

જનરલ મેનેજર શ્રી મિશ્રએ ઉત્રાણ, કોસંબા, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર યાત્રી સુવિધાઓનું પણ વિગતવાર નિરીક્ષણ કર્યું. આના સિવાય ઉત્રાણ સ્ટેશન પર માઈનોર રેલવે કોલોની ચિલ્ડ્રન પાર્ક અને અમૃત સ્ટેશનના પુનઃવિકાસ કામોનું અવલોકન કર્યું. કોસંબા સ્ટેશન પર સ્ટેશન માસ્ટર કેબિન, બેબી ફીડિંગ રૂમ અને હેરિટેજ વેઈટીંગ રૂમનું નિરીક્ષણ કર્યું.

અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે મુખ્ય બ્રિજ નંબર 502 નું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. ભરૂચ સ્ટેશન પર નવનિર્મિત રેલવે ક્વાર્ટર્સનું નિરીક્ષણ કર્યું અને રેલવે કર્મચારીઓને ચાવી સોંપી. કાસીપુરા સરાર રેલવે સ્ટેશન કોલોની અને વડોદરા સ્ટેશન પર રનિંગ રૂમ, લૉબી, ART અને ARME નું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન શ્રી મિશ્રએ રેલવે કોલોનીમાં કર્મચારીઓના પરિવારજનો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓને સાંભળી. સાથે જ જરૂરીયાત મુજબ સંબંધિત અધિકારીઓને યોગ્ય નિર્દેશ આપ્યા.

જનરલ મેનેજર શ્રી મિશ્રએ કેરેજ અને વેગન રિપેર વર્કશોપ પ્રતાપનગરના નિરીક્ષણ દરમિયાન વર્કશોપમાં એર બ્રેક સેક્શન, ડી.વી. લેબ, વ્હીલ શોપ, CTRB સેક્શન અને ઈક્વિપમેન્ટ વગેરેનું નિરીક્ષણ કર્યું. શ્રી મિશ્રએ બોગી સેક્શનમાં ઝીણવટથી દરેક પાસાને જોયાં. સાથે જ રેલવે કેન્ટીનનું પણ નિરીક્ષણ કર્યું અને જરૂરી સુધારણા માટે નિર્દેશ આપ્યા. તેમણે ઉપસ્થિત અધિકારીઓ અને સ્ટાફ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું કે આપણે આગામી પરિયોજનાઓ માટે નવી ટેકનિક્સની સાથે-સાથે નવા પડકારોને અપનાવવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.

આ દરમિયાન જનરલ મનેજરની સાથે વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષ, વડોદરા મંડળના ડીઆરએમ શ્રી જીતેન્દ્ર સિંહ, સિનિયર બ્રાન્ચ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ પણ ઉપસ્થિત હતા. નિરીક્ષણમાં શ્રી મિશ્રએ લોકપ્રતિનિધીઓ અને માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનોના પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.