અજિતની કારને પ્રેક્ટિસ દરમિયાન એક્સિડન્ટ થયો છતાં કાર રેસિંગમાં ભાગ લઈ ત્રીજું સ્થાન મેળવ્યું
તમિલ ફિલ્મોના સુપરસ્ટાર અજિત કુમારે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોતાની ટીમ ‘અજિત કુમાર રેસિંગ’ શરૂ કરી હતી
મુંબઈ, તમિલ ફિલ્મોના સુપરસ્ટાર અજિત કુમારે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોતાની ટીમ ‘અજિત કુમાર રેસિંગ’ શરૂ કરી હતી. દુબઈ ઓટોડ્રોમમાં દર વર્ષે યોજાતી રેસિંગ કોમ્પિટિશનમાં અજિતની ટીમે ભાગ લીધો હતો. જીટી અને ટુરિંગ કારની ૨૪ કલાકની આ સ્પર્ધામાં સ્પીડ, સ્ટ્રેટેજી અને સહનશક્તિની પરીક્ષા થાય છે. આ રેસિંગ સ્પર્ધામાં અજિત અને તેમની ટીમે ત્રીજો નંબર મેળવ્યો હતો. Actor Ajit Kumar‘s accident in Dubai. Accident happened during race preparation
૫૩ વર્ષના અજિત કુમાર ફિલ્મોમાં ધમાકેદાર એક્શન માટે જાણીતા છે. રિયલ લાઈફમાં તેમને કાર રેસિંગનો શોખ છે. થોડા સમય અગાઉ અજિતની કારને પ્રેક્ટિસ દરમિયાન એક્સિડન્ટ થયો હતો. તેઓ દુબઈ ખાતે ૨૪ કલાકની આ રેસિંગ માટે જ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. બ્રેક ફેલ થવાના કારણે તેમની કાર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અજિતનો બચાવ થયો હતો, પરંતુ તેઓ કાર રેસિંગમાં ભાગ લે તેવી શક્યતા નહીવત હતી.
આમ છતાં અજિતે પોતાની ટીમ સાતે રેસિંગમાં ભાગ લીધો હતો. ૯૯૧ કેટેગરીમાં તેમને ત્રીજો નંબર અને જીટી૪ કેટેગરીમાં સ્પિરિટ ઓફ ધ રેસનું સન્માન તેમને મળ્યુ હતું. અજિતે પોતાની આ સફળતા માટે પત્ની શાલિનીનો આભાર માન્યો હતો. કારણ કે એક તબક્કે અજિતે આ રેસમાં જાતે ભાગ નહીં લેવાનું જાહેર કર્યું હતું. જો કે પત્નીએ મંજૂરી આપતાં અજિતે રેસમાં ભાગ લીધો હતો. અજિતની સાથે જીતની આ ઉજવણીમાં આર. માધવન પણ જોડાયા હતા.
બંનેએ તિરંગા સાથે સફળતા ઉજવી હતી. તિરંગો ફરકાવી રહેલા અજિતનો વીડિયો શેર કરવાની સાથે માધવને અભિનંદન આપ્યા હતા. માધવને કહ્યું હતું કે, ક્યા આદમી હૈ. તેઓ કહે છે તે રીતે, સપના સાચા પડે છે. શાનદાર અસલી હીરો.
અજિતના ઘણાં ચાહકો પણ આ રેસ જોવા માટે દુબઈ પહોંચ્યા હતા. રેસમાં વિજય પછી રીયલ લાઈફ હીરો તરીકે અજિતને બિરદાવતી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.