વોન્ટેડ NRI દંપતી એરપોર્ટ ઉપરથી ઝડપાયું
ત્રણ વર્ષ પહેલાં યુવતીને ગર્ભવતી બનાવી યુવક અમેરિકા ફરાર થઈ જતાં ફરીયાદ નોંધાઈ હતી : યુવકનાં માતા-પિતા ભારત પરત ફરતાં જ શરૂ કરાયેલી પૂછપરછ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્રણ વર્ષ પહેલાં શહેરનાં એક જાણીતાં ડોક્ટરની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા બાદ ગર્ભવતી બનાવી યુવક અમેરિકા ભાગી ગયો હતો. આ ઘટનાક્રમ બાદ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં યુવકના માતા-પિતા સહિત ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી અને તમામ આરોપીઓ વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ પણ જાહેર કરવામાં આવી હતી. આ દરમ્યાનમાં યુવકનાં માતા-પિતા વિદેશથી પાછા ફરતાં બંનેની અટકાયત કરી મહિલા પોલીસ સ્ટેશને સોંપી દીધા છે. પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, વિદેશમાં રહેતાં યુવકો દ્વારા ભારતમાં આવી યુવતીઓ સાથે લગ્ન કર્યા બાદ તેનું શારીરિક શોષણ ઉપરાંત છેતરપિંડી કરવાની અનેક ઘટનાઓ ઘટતી હોય છે. જેનાં પગલે હવે એનઆરઆઈ યુવકો સાથે લગ્ન કરાવતાં માતા-પિતા ખચકાટ અનુભવે છે. આજથી ત્રણ વર્ષ પહેલાં અમેરિકાથી આવેલા એક યુવકે શહેરનાં જાણીતાં ડોક્ટરની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમસંબંધ બંધાયા બાદ યુવક અને યુવતીએ લગ્ન કરી લીધાં હતા અને ત્યારબાદ આ યુવત ગર્ભવતી પણ બની હતી.
આ દરમ્યાનમાં યુવક અચાનક જ યુવતીને તરછોડીને અમેરિકા ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ યુવતીએ યુવક સાથે સંપર્ક સાધવાનાં અનેક પ્રયાસો કર્યા હતાં. પરંતુ યુવક દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નહોતો. જેનાં પરીણામે યુવતી માનસિક રીતે હતાશ થઈ ગઈ હતી.
યુવતીએ હિંમત દાખવી તેનાં પતિ તથા સાસુ સસરા વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચી જઈ ફરીયાદ નોંધાવતાં પોલીસ અધિકારીઓ પણ સતર્ક બન્યા હતાં અને આ અંગે યુવતીની ફરીયાદનાં આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આરોપીઓ અમેરિકા રહેતાં હોવાથી ત્રણેયની વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી. ત્રણ વર્ષ પહેલાં આ ફરીયાદ નોંધાઈ હતી અને ત્યારથી આ લોકો ભારત પરત ફર્યા નહોતા.
આ દરમ્યાનમાં યુવકનાં પિતા નિપુણ દેસાઈ અને માતા શિલ્પા દેસાઈ સ્ટે લાવીને ભારત પરત ફર્યા હતા. આ દરમ્યાન એરપોર્ટ ઉપર જ એરપોર્ટ પોલીસે એનઆરઆઈ દંપતીની અટકાયત કરી હતી અને બંનેની મહિલા પોલીસ સ્ટેશનને સોંપી દીધા હતાં. અને તેઓના પાસપોર્ટ જપ્ત કરી લીધાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ બંનેની પૂછપરછ શરૂ કરી છે. જાકે બપોર બાદ આ અંગેની વિગતો જાહેર કરવામાં આવનાર છે.