Western Times News

Gujarati News

સાબરમતી જેલ કે કોલ સેન્ટર

અમદાવાદ: તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર રીઢા ગુનેગાર વિશાલ ગોસ્વામીનાં જેલમાંથી ખંડણીનો આયોજનબદ્ધ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. શહેર ક્રાઈમ બ્રાંચ કેટલાંય દિવસો સુધી વોચ રાખીને આ ઘટના બહાર આવી હતી. જેલનાં અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી વગર આ શક્ય ન હોઈ જેલ તંત્ર સામે પણ આંગળી ઊઠી હતી. બાબતમાં ભીનું સંકેલવાનો પ્રયત્ન કરાતાં જેલનાં એક અધિકારીની બદલી અને વધુ એકને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જાકે ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યાનાં બીજાં જ દિવસે વધુ એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આટલું ઓછું હોય તેમ હવે સાબરમતી જેલમાંથી ગઈકાલે વધુ બે મોબાઈલ મળી આવતાં હવે ચકચાર મચી છે.


વિશાલ ગોસ્વામીનાં નેટવર્કની માહિતી સામે આવ્યા બાદ જેલતંત્રને રેલો આવતાં હવે અવારનવાર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે છે અને પોતાની સઘન કામગીરી સાબિત કરવામાં આવે છે. ગત રોજ પણ ઉચ્ચ અધિકારીઓનાં આદેશ બાદ જેલનાં કર્મચારીઓ દ્વારા જેલર અને ઝડતી સ્કવોડ દ્વારા સમગ્ર જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન સવારે સવા દસ વાગ્યે ઝડતી સ્કવોડ વીરભગતસિંહ યાર્ડમાં પહોંચતાં તમામ કેદીઓને લાઈનમાં બેસાડવામાં આવ્યા હતા. તમામ કેદીઓની તપાસ ચાલી રહી હતી ત્યારે એક કાચા કામનાં કેદીની વર્તણૂક શંકાસ્પદ લાગતાં તેની તપાસ કરવામાં આવતાં આશીફ ખાન મુબારકખાન પઠાણનાં પગનાં તળીયામાંથી એક સીમકાર્ડ મળી આવ્યું હતું.

જેથી ચોંકી ઉઠેલાં ઝડતી સ્કવોડ સઘન ચેકીંગ કરતાં એ જ યાર્ડમાંથી ખુલ્લા ભાગમાંથી જમીનમાં સંતાડી રાખેલાં બે મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં. ઊંડી તપાસ કરતાં અન્ય એક કાચા કામનાં કેદી અબ્દુલ ઈમરાન અબ્દુલ વહાબ શેખનું પણ નામ ખુલતાં જેલતંત્રે રાણીપ પોલીસ સ્ટેશનમાં આસીફ તથા અબ્દુલ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી બંને મોબાઈલ ફોન અને સીમકાર્ડ એફએસએલમાં મોકલી આપ્યા હતાં.

આટલું મોટું ખંડણીનું નેટવર્ક ઝડપાયા બાદ પણ જેલતંત્રમાં રહેલાં છીંડાનો કાચા તથા પાકા કામનાં કેદીઓ ભરપૂર લાભ ઊઠાવી રહ્યાં છે. જેલમાં થયેલી હત્યા, સુરંગ કાંડ અને હવે ખંડણી નેટવર્ક બાદ પણ બેશરમીની હદ વટાવી ચૂકેલી સાબરમતી જેલનાં અધિકારીઓ હવે જેલનાં જામર તથા અન્ય મશીનોનો યોગ્ય વપરાશ કરશે કે કેમ એ પણ એક સવાલ છે. અગાઉ પણ મોબાઈલ મળવાનાં બનાવો બન્યા હોવા છતાં કોઈ અધિકારી કે કર્મચારી વિરૂદ્ધ નક્કર કાર્યવાહી થઈ હોય એવું સામે આવ્યું નથી. ત્યારે મોબાઈલ દુકાન બની ચૂકેલી જેલમાં કેદીઓ જેલની અંદર રહે કે બહાર એમને કોઈ ફરક પડતો હોય એમ લાગે છે.

અમદાવાદની સાબરમતી જેલમાં અનેક કુખ્યાત અને ખૂંખાર ગુનેગારો સજા ભોગવી રહ્યાં છે. તાજેતરમાં જ સાબરમતી જેલમાંથી ચાલી રહેલાં ખંડણીના નેટવર્કનું પર્દાફાશ થયાં બાદ જેલ સત્તાવાળાઓ વધુ સતર્ક બન્યાં છે. આ પરિÂસ્થતિ વચ્ચે પણ સાબરમતી જેલમાંથી મોબાઈલ ફોન મળવાનો સિલસિલો યથાવત રહેતાં રાજ્યનું ગૃહવિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. મોબાઈલ ફોન દ્વારા ગુનેગારો પોતાની આસામાજિક પ્રવૃતિ જેલમાં બેઠા-બેઠા ચલાવી રહ્યાં છે. રાણીપ પોલીસને બંને કાચા કામનાં કેદીઓની પૂછપરછ કરતાં કેટલીક મહ¥વપૂર્ણ વિગતો હાથ લાગી છે. જેનાં આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.