સુરતમાં લાગેલી ભીષણ આગ ૩૦ કલાક બાદ પણ કાબુમાં આવી નથી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સુરત, કુંભારીયા પાસે અવોલા રઘુવીર કોમ્પ્લેક્ષમાં મંગળવારે સવારે ૩.૩૦ કલાકે લાગેલી આગ બેકાબુ બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ૧૮ માળની આ બિલ્ડીંગમાં લાગેલી આગને બુઝાવવા માટે દક્ષિણ ગુજરાતના બધા જ ફાયર ફાઈટરોને કામે લગાડયા હોવાનું જાણવા મળે છે. ૧૮ માળના આ બિલ્ડીંગમાં આગ લાગવાથી મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ભસ્મ થઈ ગયો છે. જ્યારે બિલ્ડીંગનો ૧૪મો માળમાં હજુ પણ આગના ભડકા દેખાઈ રહ્યા છે. રઘુવીર સિલ્વર માર્કેેટમાં લાગેલી વિકરાળ આગને કારણે રૂ.૩૦૦ કરોડનો કાપડનો જથ્થો બળી ગયાનો પ્રાથમિક અદાજ છે. આશરે ૧૦૦ જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોવાનું મનાય છે.
૩૦ કલાકના ફાયર બ્રિગેડના જવાનોના સતત પ્રયાસ બાદ પણ આગ કાબુમાં આવી નથી. દક્ષિણ ગુજરાતના બધા જ ફાયર ફાઈટરોના જુવાનો આગને કાબુમાં લેવા મહેનત કરી રહ્યા છે. ફાયર બ્રિગેડના ૧ જુવાન ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે. સુરતમાં લાગેલી ભીષણ આગથી ફાયરબ્રિગેડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાવાળાઓ હરકતમાં આવી ગયા છે.
સુરતમાં લાગેલી આગના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે. અને અગમચેતીના ભાગ રૂપે મ્યુનિસિપલ ફાયરબ્રિગેડે શહેરમાં આવેલ કાપડ બજારમાં આવેલ દુકાનોના સંચાલકોને નોટીસ પાઠવી દીધી હોવાના સમાચાર.
સુરતની ભીષણ આગના સમાચારે ભારે અફડાતફડીનો માહોલ ઉભો કર્યો છે. સ્થળની મુલાકાતે આવેલા મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યુ હતુ કે આ બિલ્ડીંગ પાલિકાની હદની બહાર છે. આ અગાઉ પણ નોટીસ પાઠવવામા આવી હતી. આગ તદ્દન કાબુમાં આવ્યા બાદ રઘુવીર કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવશે. તપાસ દરમ્યાન જવાબદાર કાયદાની શુંગાલમાંથી છટકી શકે નહીં. આગની જાણ થતાં સુરતના કલેકટર પણ સ્થળ પર પહોંચી ગયા છે.
આગ એટલી વિકરાળ બની હતી કે પાલિકાના ફાયરબ્રિગેડના સાધન સરંજામ પણ વામણા પુરવાર થયા. ફાયરબ્રિગેડની પોતાની પણ કરોડો રૂપિયાના સાધનોની નવી ખરીદી છતાં આ ભીષણ આગને હજુ કાબુમાં લઈ શકયા નથી.
પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ-સર્કીટને કારણે લાગી હોવાનું જાણવા મળે છે. રઘુવીર કોમ્પ્લેક્ષમાં લાગેલી આગને હોલવતા ૧ ફાયરબ્રિગેડનો જુવાન ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. ૩૦ કલાક સુધી આગ કાબુમાં ન આવતા લોકોમાં તરહ તરહની વાતો થઈ રહ્યા છે.