સાબરમતી ચીમનભાઈ બ્રિજ નજીક યુવક લૂંટાયો
શહેરમાં નાગરીકોને લૂંટતી ગેંગ સક્રિય
અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી ચેન સ્નેચરોનો આતંક વધી ગયો છે પોલીસની નિષ્ક્રિયતાથી હવે રાહદારીઓને લૂંટી લેતી ટોળકીઓ સક્રિય બની ગઈ છે. શહેરનાં એલિસબ્રિજ અને રાણીપ વિસ્તારમાં જાહેર રોડ ઉપર જ એક મહિલા અને એક યુવકને લૂંટી લેવાની ઘટના બનતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, ગોધરા રુદ્રાક્ષ ટેનામેન્ટની બાજુમાં વૃંદાવન નગર-૨માં રહેતાં દિક્ષીતાબેન આકાશભાઈ સોની ગઈકાલે ગોધરાથી અમદાવાદ આવ્યાં હતાં. એસટી બસમાં ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ઉપર ઉતર્યાં બાદ તેઓ રીક્ષામાં બેસી એલિસ બ્રિજ ઓવરબ્રિજ ઉપર એમ.જે.લાયબ્રેરી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે પલ્સર બાઈક ઉપર બે શખ્સો આવ્યાં હતાં અને રીક્ષામાં બેઠેલાં દિક્ષીતાબેનનું પર્સ લૂંટીને આ બંને શખ્સો ફરાર થઈ ગયાં હતાં. પર્સમાં રૂ.૧.૨૫ લાખ રોકડા તથા મોબાઈલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ પડી હતી. એલિસબ્રિજ પોલીસે ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક લૂંટનો બનાવ રાણીપ વિસ્તારમાં બન્યો હતો. સાબરમતી ડી કેબિન જૈન દેરાસરની બાજુમાં આવેલા શાંતીધામમાં સોસાયટીમાં રહેતાં સુમીલભાઈ રાજપૂત નામનો ૨૫ વર્ષીય યુવક રાત્રે ૧૨ વાગ્યાંની આસપાસ ચીમનભાઈ બ્રિજ તરફ એક્ટીવા લઈ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે મોટરસાઈકલ ઉપર બે અજાણ્યાં શખ્સો તેની નજીક આવ્યાં હતાં. સુનીલભાઈ કશું સમજે તે પહેલાં એક શખ્સે તેનાં ખભા ઉપર ભરાવેલો થેલો લૂંટી લીધો હતો. બેગમાં કેમેરો અને લેન્સ હતા જેની કુલ કિં.૧.૧૦ લાખ જેટલી થવા જાય છે. આ અંગે સુમીલભાઈ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.