Western Times News

Gujarati News

ટ્રેનમાં ગીફ્ટ પેકેટમાં વિદેશી દારૂની હેરાફેરી

આતંકી હુમલાની દહેશત વચ્ચે પેકેટમાં વિસ્ફોટકો હોવાની આશંકાથી ડોગ સ્કવોડની પણ મદદ લેવાઈ : કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં બાતમીના આધારે રેલવે પોલીસનું સફળ ઓપરેશનઃ બિનવારસી હાલતમાં મળેલાં ત્રણ પેકેટમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત

અમદાવાદ: અમદાવાદ શહેરમાંથી દારૂ-જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર હાઈએલર્ટ ઉપર છે. અને બુટલેગરો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેનાં પરીણામે બુટલેગરો અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી શહેરમાં દારૂ ઘુસાડી રહ્યાં છે. જેનાં પગલે શહેરભરમાં વોચ રાખવામાં આવી રહી છે.

બુટલેગરો હવે ટ્રેન મારફતે દારૂ ઘૂસાડવા લાગતાં રેલવે પોલીસ તંત્ર એલર્ટ થઈ ગઈ છે. ગઈકાલે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે પોલીસ એલર્ટ હતી અને તમામ ડબ્બાંઓનું ચેકીંગ કરી રહી ત્યારે એક ડબ્બામાં ગીફ્ટ પેક કરેલાં કેટલાંક ખોખાં પડેલાં હતા. જેનાં પગલે શંકા જતાં પોલીસે પ્રવાસીઓની પૂછપરછ કર્યા બાદ આ પેકેટોમાં વિસ્ફોટકો હોવાની અશંકા હતી. ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી પરંતુ વિસ્ફોટકો નહીં હોવાનું માલુમ પડ્યા બાદ આ પેકેટો ખોલવામાં આવતાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં છે. કાલુપુર રેલવે પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ શહેરમાં પ્રવેશતાં માર્ગાે ઉપર સઘન ચેકીંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે આ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. બુટલેગરોમાં પણ પોલીસની સઘન ઝુંબેશથી ફફડાટ ફેલાયેલો છે. પોલીસ અધિકારીઓ દ્વારા વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

જેનાં પરીણામે શહેરનાં જાણીતાં બુટલેગરોના અડ્ડા બંધ થઈ ગયાં છે. આ પરિસ્થિતિમાં  હવે બુટલેગરો અવનવી મોડસ ઓપરન્ડી વાપરી વિદેશી દારૂનો જથ્થો અમદાવાદમાં લાવી તેની હોમ ડિલિવરી કરવાં લાગ્યાં છે. છેલ્લાં કેટલાંક સમયથી અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રેનોમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવતો હોવાની બાતમી મળતાં રેલવે પોલીસ એલર્ટ થઈ ગઈ છે.

ગઈકાલે મુંબઈથી આવતી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવની બાતમી મળતાં રેલવે પોલીસ વોચમાં બેઠી હતી. કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનની સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું.

નડીયાદથી અમદાવાદ સુધીનાં માર્ગમાં રેલવે પોલીસ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી હતી. તમામ ડબ્બાઓનું ચેકીંગ કરતાં કોચ નં.સી-૪માં પેન્ટ્રી કારનો કેટલોક સામાન પડ્યો હતો. આ સામાનની સાથે ગીફ્ટ પેપરમાં પેક કરેલાં કેટલાંક પેકેટો પણ પડેલાં હતાં. રેલવે પોલીસને શંકા જતાં પ્રવાસીઓની પૂછપરછ કરી હતી. પરંતુ પ્રવાસીઓએ આ ગીફ્ટ પેકેટો પોતાનાં નહીં હોવાનો ઈન્કાર કર્યાે હતો. જેનાં પગલે રેલવે પોલીસે તાત્કાલિક ડોગ સ્કવોડને બોલાવી હતી. ડોગ સ્કવોડની કામગીરી પૂર્ણ થતાં આ પેકેટમાં કોઈ વિસ્ફોટક નહીં હોવાનો ખુલ્યું હતું.

કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના સી.-૪ કોચમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલાં ગીફ્ટ પેકેટો રેલવે પોલીસનાં અધિકારીઓએ ખોલતાં અંદરથી કિંમતી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ ડબ્બામાં કુલ ત્રણ મોટાં પેકેટો મળી આવ્યાં હતાં. અને આ પેકેટોમાંથી અત્યંત મોંઘી વિદેશી દારૂની બોટલો તથા બીયરના ટીન મળી આવતાં રેલવે પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનનાં એએસઆઈ શાબીરખાન પઠાણ જાતે જ ફરીયાદી બન્યા હતાં. રેલવે પોલીસે આ દારૂનો જથ્થો કોણે ટ્રેનમાં મૂક્યો તે અંગે તપાસ શરૂ કરી છે. અને તમામ રેલવે સ્ટેશનો પરનાં સીસીટીવી ફુટેજા મેળવવાનાં પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે.

ટ્રેન મારફતે ડ્રગમાફીયાઓ ડ્રગ્સની ખુલ્લેઆમ હેરાફેરી કરતાં હોય છે પરંતુ રેલવે પોલીસ દ્વારા ડ્રગમાફીયાઓ વિરૂદ્ધ સઘન ઝુંબેશ શરૂ કરતાં હવે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી શરૂ કરવામાં આવી છે. જેનાં પગલે છેલ્લાં કેટલાંક દિવસથી અન્ય રાજ્યમાંથી આવતી ટ્રેનોમાં રેલવે પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રજાસત્તાક દિનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે કેન્દ્રિય ગૃહવિભાગે દેશભરમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનો ભારતમાં મોટાપાયે ભાંગફોડ કરવાનાં ઈરાદે આતંકી હુમલા કરાવવાની દહેશત સેવાઈ રહી છે અને કેન્દ્રિય ગુપ્તચર વિભાગને મળેલી કેટલાંક મહત્ત્વપૂર્ણ  વિગતોનાં આધારે ગુજરાતની સરહદ ઉપર બીએસએફનાં જવાનો એલર્ટ છે. આ ઉપરાંત ટ્રેનોમાં અને હાઈવે પર પણ ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.