Western Times News

Gujarati News

ઉમેદવારીપત્ર ભરતા પહેલા નરેન્દ્ર મોદીનું વારાણસીમાં શક્તિ પ્રદર્શન

વારાણસીમાં યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યાઃ ઠેર-ઠેર વડાપ્રધાનનું સ્વાગત કરાયુ

(પ્રતિનિધી) વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક ઉપરથી આવતીકાલ મંગળવારના રોજ ઉમેદવારીપત્ર ભરવાના છે ત્યારે તેઓ સોમવારે સાંજે જ અહિંયા પહોંચી ગયા હતા અને ઉમેદવારીપત્ર ભરવાની પૂર્વ સંધ્યાએ ૬ કિ.મી. લાંબો રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ તૈયારીની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચતા જ એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે યોગી આદીત્યનાથ પણ રોડ શોમાં જોડાયા હતા. બંને મહાનુભાવોના રોડ શો દરમિયાન સમગ્ર રૂટ ઉપર મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા અને ઠેર-ઠેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સવારથી જ વારાણસીમાં ભારે ચહલ પહલ જોવા મળતી હતી. રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિર પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદી રાત્રિરોકાણ વારાણસીમાં જ કરવાના છે અને કાલે મંગળવાર સવારે તેઓ ઉમેદવારીપત્ર ભરવાના છે.

તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે. આ ઉપરાંત અન્ય ભાજપનાં દિગ્ગજ નેતાઓ પણ વારાણસી પહોંચી ગયા છે. અને રાત્રિ દરમ્યાન વડાપ્રધાને સ્થાનિક નેતાઓ સાથે મીટીંગ પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.