Western Times News

Gujarati News

સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને પત્ર લખી શું જણાવ્યું?

આખરે સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

(એજન્સી) નવી દિલ્હી, હોસ્પિટલમાંથી સોનમ વાંગચુકે સરકારને પત્ર લખ્યો છે. સોનમ વાંગચુકે અનશન ખતમ કરવા માટે પોતાની માગ રાખી છે. તેમણે કહ્યું કે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને વળતર મળે.

સંસદમાં ચર્ચા થાય અને શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં આવે. પોતાના પત્રમાં સોનમ વાંગચુકે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે ગત રાત્રે હોસ્પિટલમાં મુલાકાત કરી. તે માટે તેમણે બંને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

સોનમ વાંગચુકે લખ્યું ‘ચર્ચા દરમિયાન તમે મને આશ્વાસન આપ્યું હતું કે સરકાર સકારાત્મક રૂપથી વિચાર કરશે જેમાં પેપર લીક થયા બાદ આપઘાત કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર, સંસદમાં જવાબદારી નક્કી કરવા માટે સાર્થક ચર્ચા, જેમાં માનનીય શિક્ષણ મંત્રીના રાજીનામા પર પણ વિચાર સામેલ છે.’
પોતાના પત્રમાં તેમણે લખ્યું ‘પોલીસની બર્બરતા અને જરૂરિયાતથી વધુ બળપ્રયોગ છતાં ૨૦ જુલાઈએ સંસદ ચલો માર્ચ શાંતિપૂર્ણ રહી.

દેશ અને દુનિયાએ લોકતાંત્રિક રીતે વિરોધ કરવા પ્રત્યે તેમના ધૈર્ય અને સંકલ્પને જોયો. હું આશા વ્યક્ત કરુ છું કે તેમાં સામેલ લોકો વિરુદ્ધ કોઈ કાયદાકીય મામલા, દુર્વ્યવહાર કે બદલાની ભાવનાથી કરવામાં આવેલી કાર્યવાહીથી લોકતાંત્રિક સંસ્થાઓમાં તેમના ભરોસાને વધુ ઘટાડવામાં આવશે નહીં.’

તેમણે આગળ લખ્યું- તમારા અહીં આવ્યા બાદ અલગ-અલગ રાજકીય દળોના લગભગ ૬૫ સાંસદોએ મને પત્ર લખ્યો. કેટલાક લોકો આવ્યા અને હજુ સાંજ સુધી આવવાની આશા છે. તે બધાએ મને અનશન ખતમ કરવાની અપીલ કરી અને મને યાદ અપાવ્યું કે દેશ સેવામાં મારે હજુ ઘણું કામ કરવાનું છે. હું તેમની વાતથી સહમત છું.

પત્રમાં તેમણે કહ્યું- હું જીવવા ઈચ્છુ છું. હું મારા વિદ્યાર્થીઓ, શિક્ષણ અને તે કામ તરફ પરત ફરવા ઈચ્છુ છું જેણે મારા જીવનને અર્થ આપ્યો છે. પરંતુ હું તે યુવા લોકોની કિંમત પર આવું ન કરી શકું, જેના માટે આ આંદોલન શરૂ થયું હતું.

સોનમ વાંગચુકે સરકારને અપીલ કરી છે કે સરકાર તે આશ્વાસન આપે કે આંદોલનમાં સામેલ થનાર કોઈપણ યુવા પ્રદર્શનકારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે. તેમનો ગુનો માત્ર એટલો છે કે તેમણે જવાબદાર શિક્ષણ વ્યવસ્થા માટે અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું- જો મને આ વિશ્વાસ અપાવવામાં આવે છે તો હું તે ભરોસા સાથે મારૂ અનશન સમાપ્ત કરીશ કે સરકારે ન માત્ર મારી અપીલને સાંભળી પરંતુ લાખો યુવા ભારતીયોની આકાંક્ષાઓને પણ સમજી.

વિદ્યાર્થી આંદોલન અને તેના અનુસંધાનમાં સર્જાયેલા વિવાદ વચ્ચે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓને ધ્યાનમાં લઈને તાત્કાલિક સંવેદનશીલ નિર્ણય લેવા અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.