મુંબઈ સાથેનો રેલ વ્યવહાર ખોરવાયોઃ દક્ષિણ ગુજરાત જળબંબાકાર
નદીઓમાં પૂર આવતા કિનારાના ગામો એલર્ટ કરાયાઃ રાજ્ય સરકાર સતર્ક ઃ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું
અમદાવાદ, રાજ્યના દક્ષિણ ભાગમાં સતત બીજા દિવસે ભારેથી અતિભારે વરસાદ પડતા વલસાડ, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં પૂર આવતા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ કરી દેવાયા છે અને મુંબઈ સાથેનો રેલવે વ્યવહાર પણ ખોરવાઈ જતાં પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. રાજ્ય સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે રેલવે વ્યવહાર ભારે પ્રભાવિત થયો છે. ઉદવાડા અને પારડી વચ્ચે રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતાં રેલવે પ્રશાસન દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વરસાદના કારણે મુંબઈ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર અટકાવીને રદ કરવામાં આવી છે.
સુરત શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે કડોદરા ચાર રસ્તા, કડોદરા-સુરત સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે-૪૮ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક બાઇક અને રિક્ષા જેવા વાહનો બંધ પડી જતાં વાહનચાલકોને ધક્કા મારવાની ફરજ પડી હતી.
નેશનલ હાઇવે પર પાણી ભરાવાના કારણે બે કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઉપરાંત કડોદરા પોલીસ ચોકી, સ્થાનિક દુકાનો અને હોટલોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓ ભારે પરેશાન થયા છે. વરસાદના રેડ એલર્ટને પગલે સુરત મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. મનપા કમિશનર એમ. નાગરાજનના જણાવ્યા અનુસાર, સવારથી જ એસએમસીના કર્મચારીઓ ફિલ્ડમાં ઉતારી દેવામાં આવ્યા છે.
નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે, જ્યારે પાણી ભરાવાના કારણે બીઆરટીએસ અને સિટી બસના ૫ રૂટ બંધ કરવાની ફરજ પડી છે. તંત્ર દ્વારા નાગરિકોને કામ વિના બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.
કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ૦૬ બટાલિયન દ્વારા ટીમોને ખડેપગે રાખવામાં આવી છે. ૦૬ બટાલિયન એનડીઆરએફની એક ટીમ પર્વત પાટિયા વિસ્તારમાં અને બીજી ટીમ એસએમસીના દક્ષિણ ઝોન તથા ઉધના વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. એનડીઆરએફઅને એસડીઆરએફની ટીમો નાગરિક વહીવટીતંત્ર સાથે સતત સંકલનમાં રહીને રાહત અને બચાવ કામગીરી માટે સક્રિય થઈ છે.
આ ઉપરાંત, મુંબઈ-અમદાવાદ ડબલડેકર એક્સપ્રેસને નવસારી સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, જે સાંજે ૫ઃ૪૫ વાગ્યે નવસારીથી અમદાવાદ તરફ રવાના થશે. બીજી તરફ, અમદાવાદ તરફ જતી અન્ય ટ્રેનો પણ એકથી દોઢ કલાક જેટલી મોડી ચાલી રહી છે. ટ્રેનો રદ થવા અને મોડી પડવાને કારણે મુંબઈ અને અમદાવાદ જતાં અનેક મુસાફરો નવસારી સ્ટેશન પર અટવાઈ પડ્યા છે અને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ ખાબકતા નવસારી જીલ્લામાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અનરાધાર વરસાદના પગલે સમગ્ર સમગ્ર જીલ્લા પંથકમાં અત્ર-તત્ર સર્વત્ર વરસાદી પાણી પાણી ફરી વળ્યું છે અને સ્થિતિ અત્યંત વિકટ બની છે. મુશળધાર વરસાદને કારણે ચીખલી, વાંસદા, ખેરગામ, બીલીમોરા અને ગણદેવી સહિતના તાલુકા પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હોવાની વિગતો સામે આવી રહી છે.
હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ, નવસારી જીલ્લામાં અત્યાર સુધીમાં ૫૩ ટકા વરસાદ વરસી ચૂક્્યો છે, જેના કારણે જીલ્લાની નામચિન નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાતા જીલ્લા વહીવટી તંત્ર પણ લોકો માટે મેદાને ઉતર્યું છે અને સ્કૂલ-કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં રજાની જાહેરાત કરી હતી.
ભારે વરસાદને કારણે બીલીમોરાના ગોહરબાગ અને દેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કાંઠાની કાવેરી અને અંબિકા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓ ઓવરફ્લો થતાં પૂરના પાણી હવે સીધા બીલીમોરા શહેરમાં ઘૂસી ગયા છે, જેને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા છે.
બીજી તરફ, દેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદથી ગામ પાણી પાણી થઈ ગયું છે. ગામના અનેક વિસ્તાર પાણીમાં ડૂબ્યા છે. કાવેરી નદી બીલીમોરા શહેરમાંથી પસાર થવા માંડી છે. નદીના પાણી ભરાવાના કારણે ડ્રેનેજ લાઈનો બેક મારી રહી છે, જેનાથી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ સંપૂર્ણ બંધ છે. સ્થિતિ વધુ વિકટ બનતા જિલ્લામાંથી એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફઅને એસડીઆરએફની ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું યુદ્ધના ધોરણે રેસ્ક્્યુ કરવામાં આવી રહ્યું છે. આ તરફ ચીખલીમાં પણ કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.
કાવેરી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે રિવરફ્રન્ટનો પાણીમાં ગરકાવ થયો છે. નદીમાં ઘોડાપૂરને કારણે તડકેશ્વર મહાદેવનું મંદિર નદીમાં ગરકાવ થયો છે, સાથે જ જલારામ મંદિરમાં પણ પાણી ભરાયા છે.
આ તરફ ભારે વરસાદને કારણે ખૂંદ ગામે આવેલ સ્મશાનમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે. જો કોઈનું નિધન થાય તો અંતિમ સંસ્કાર કરવો પણ મુસીબત થઈ જવા પામી છે, જેથી નદી કાંઠે આવેલા વિસ્તારમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સાવચેત કરાયા છે. લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે અને ચીખલી પોલીસના જવાનો પણ બંદોબસ્તમાં ખડકી દેવાયા છે.
સરકાર તરફથી સામે આવેલી માહિતી અનુસાર, નવસારીમાં તારાજીની સ્થિતિ વચ્ચે કાવેરી નદી ભયજનક સપાટી વટાવતા બીલીમોરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે કાવેરી કાંઠાના ૩૦ ગામોને એલર્ટ કરાયા છે. બીલીમોરાથી ૪૩ લોકોનું રેસ્ક્્યૂ કરાયું છે, જ્યારે ગણદેવીમાંથી ૧૧ લોકોનું અને ચીખલી, હરણ ગામથી ૨૧ લોકોનું રેસ્ક્્યૂ કરાયું છે અને ૧૯૦ લોકોને સ્થળાંતર કરાયા છે, ત્યારે સ્થિતિને જોતા હાલમાં પણ જિલ્લામાં બે એસડીઆરએફની ટીમ તૈનાત છે.
