Western Times News

Gujarati News

કાળીગામ અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલ માટે ત્રણ દિવસનો સમય લાગે છે

અનેક વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ પાણીના નિકાલ માટે ૧૦ કલાક જેટલો સમય થાય છે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેરઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે. મ્યુનિ. કોર્પો. દ્વારા કરવામાં આવેલ એક સર્વે મુજબ શહેરમાં ૧૪૬ કરતા વધુ સ્થળે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. જે પૈકી ર ઈંચ વરસાદમાં જ લગભગ ૬૭ સ્થળે વરસાદી પાણી ભરાય છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જે સ્થળોએ સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી છે તે વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ બે-ત્રણ કલાકમાં પાણી ઓસરી જાય છે પરંતુ જયાં સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી નથી તેવા સ્થળે વરસાદી પાણીના નિકાલ માટે કલાકો નીકળી જાય છે. કાળીગામ ગરનાળા પાસે વરસાદી પાણી નિકાલ માટે લગભગ ત્રણ દિવસ જેટલો સમય થાય છે.

અમદાવાદ શહેરના મણિનગર, ગોતા, ઘાટલોડિયા, ગોમતીપુર, સરસપુર, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ગંભીર બનતી જાય છે. મ્યુનિ. કોર્પો. દ્વારા અંદાજે ૯૦૦ કિ.મી.લંબાઈની સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી છે પરંતુ તેની ડીઝાઈન મુજબ એક કલાકમાં એક ઈંચ વરસાદ થાય તો જ પાણીનો ભરાવો થતો નથી

જયારે અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની પેટર્નમાં બદલાવ આવ્યો છે તેમજ અમુક વિસ્તારોમાં ગણતરીની મીનીટોમાં જ બે થી ત્રણ ઈંચ વરસાદ ખાબકી જાય છે જેના કારણે આ વિસ્તારોમાં કેડસમા પાણીભરાઈ જાય છે અને કેટલીક સોસાયટીઓમાં લોકોના ઘરમાં પણ પાણી ઘુસી જાય છે. ખાસ કરીને જે વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી નથી તે વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યા વધુ ગંભીર જોવા મળી રહી છે.

ર ઈંચ વરસાદમાં જ લગભગ ૬૭ સ્થળે પાણી ભરાય છે જેના માટે ૧પ મીનીટથી ૩ કલાક જેટલો સમય પાણી નિકાલ માટે થાય છે પરંતુ જયારે શહેરમાં પાંચ ઈંચ જેટલો વરસાદ થાય ત્યારે પરિસ્થિતિ તદ્દન કાબુ બહાર થઈ જાય છે અને પાણીના નિકાલ માટે પાંચ કલાકથી ૧૦ કલાક જેટલો સમય લાગે છે. જયારે કાળીગામ ગરનાળા જેવા વિસ્તારમાં ૭ર કલાકનો પણ સમય થાય છે.

શહેરમાં પાંચ ઈંચ વરસાદમાં જ મોટાભાગના વિસ્તારોમાં બે થી ચાર ફુટ પાણી ભરાઈ જાય છે. ગોમતીપુર ફાયર સ્ટેશન, કાળીગામ અંડરપાસ, શાંતિવન સોસાયટી પાલડી, શ્રેયસ ક્રોસીંગ પાલડી તેમજ મણિનગરના વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બને છે. ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી છે તેમ છતાં પાણીનો સમયસર નિકાલ થતો નથી અને ઈજનેર વિભાગના અધિકારીઓ કેચપીટ-મશીન હોલની સફાઈ પર જ નિર્ભર રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.