રાજ ઠાકરેએ લોન્ચ કર્યો પાર્ટીનો ભગવા રંગનો નવો ઝંડો
મુંબઇ, વસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિના દિવસે ગુરુવારે મુંબઈમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનુ મહાધિવેશન શરુ થયુ છે. આજે મનસેનો નવો ભગવો ઝંડો લોન્ચ કરવામાં આવ્યો છે અને રાજ ઠાકરેના તેવર પરથી લાગ્યુ હતુ કે, સાવરકર અને હિન્દુત્વ જેવા મુદ્દા પર બેકફૂટ પર ગયેલી શિવસેનાને કડી ટક્કર આપવા માટે આ મુદ્દાઓ હાથ પર લેવાની તૈયારી થઈ રીહ છે.
રાજ ઠાકરેએ પોતાના પુત્ર અમિત ઠાકરેની આ અધિવેશનથી રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી પણ કરાવી છે. એવુ મનાય છે કે, અમિત ઠાકરેને ઉધ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતારાયા છે.
મનસેએ લોન્ચ કરેલા નવા ભગવા ઝંડામાં છત્રપતિ શિવાજીના સમયની રાજમુદ્રાને સ્થાન અપાયુ છે. ઉલ્લેખનીય છે કે, 1674માં રાજગઢમાં રાજ્યાભિષેક બાદ શિવાજીએ પોતે આ રાજમુદ્દા પર તૈયાર કરી હતી. જેના પર લખાયેલા સંસ્કૃત લખાણનો અર્થ એ થાય છે કે, શાહજીના પુત્ર શિવાજીની આ મુદ્રાની મહિમા એ રીતે વધશે જે રીતે શુક્લ પક્ષની પ્રતિપદા બાદ પહેલા દિવસે ચંદ્રનુ કદ વધે છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મનસેનો ઝંડો કેસરી, લીલા અને ભૂરા રંગનો રહેતો હતો. મનસેના અધિવેશનના મંચ પર વીર સાવરકરની તસવીર પણ જોવા મળી હતી. આ સિવાય છત્રપતિ શિવાજીની મૂર્તિ પણ મુકવામાં આવી હતી. સાથે સાથે ભીમરાવ આંબેડકર અને સાવિત્રીબાઈ ફૂલેની તસવીરો પણ લગાડાઈ હતી.