રણુજાથી રામદેવજીના વંશજ પ્રેમસિંહજી તંવર અને સંત લાલજી મહારાજના સાન્નિધ્યે ઉમંગભેર પાટોત્સવ ઉજવાયો

મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસાના ટીટોઇ નજીક વાંદીયોલ( નવઘરા)ના રામદેવજી મંદિરે ચોથો પાટોત્સવ રણુજાથી રામદેવજીના 19માં વંશજ પ્રેમસિંહજી તંવર અને સંત લાલજીરામ મહારાજ ( નવા વક્તાપુર વાળા)ના પાવન સાન્નિધ્યે ઉમંગભેર અને ધામધૂમથી ઉજવાયો હતો. આ મંગલ અવસરે વાંદીયોલ ગામમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં ગામના આબાલવૃદ્ધ ભાવિકજનો બહાર ઉમળકાભેર જોડાઈને ડી.જે.ના તળે નાચીઝૂમી ઉઠ્યાં હતા.
વાંદીયોલ( નવઘરા)ના રામદેવજી મંદિરનું વિશાળ પરિસર ભાવિકોની ભીડથી ઊભરાઈ ગયું હતું.સ્થાનિકો અને આસપાસના ગામોમાંથી અને કંપાઓમાથી મોટો ભક્ત સમુદાય આ અવસરે ઉમટી પડ્યો હતો અને મંદિરે ભગવાન રામદેવજીના દર્શન કરી ધન્ય બન્યા હતા અને રાત્રે.ભજનકીર્તન અને સત્સંગનો લ્હાવો લીધો હતો.
શામળાજી પંથકના સંત લાલજીરામ મહારાજના સત્સંગ મેળાવડા થકી લોકોમાં ધર્મ ભક્તિનો પ્રચાર પ્રસાર થતો રહે છે જેથી આ વિસ્તારમાં લોકો અંધશ્રદ્ધા ,વ્યસનોથી અળગા થઈ હરિભક્તિ,માનવ સેવાના માર્ગે વળ્યાં છે.આજે વાંદીયોલ( નવઘરા)ના આ પ્રસંગમાં જનાર ભાવિકોને ત્યાંના માહોલને નિહાળી ખુશી અને આનંદની લાગણી પ્રગટી હતી.રામદેવજીના 19 માં વંશજ પ્રેમસિંહજી તંવરના દર્શનાર્થે આસપાસના ગામોના ભાવિકો પણ વાદીયોલ ગામે ઉમટી પડ્યા હતા.આ પ્રસંગના દાતાઓ કાન્તીભાઈ પંડ્યા(વાસેરાકંપા),ધાનસિંહ રાજપુરોહિત, વાદીયોલ સહિત ગ્રામજનો પણ આ પુણ્યકાર્યમાં સહયોગ આપ્યો હતો.