કિસાન સન્માન નિધિના આયોજન હેઠળ ભારત સરકારે ગુજરાતના ખેડૂતોના ખાતામાં ત્રણ હજાર કરોડથી વધુ રકમ જમા કરાવી છે
સી. એ. એ. નો કાયદો કોઈની નાગરિકતા છીનવવા માટે નથી પણ શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેનો છે…
વડોદરા: તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૦ (રવિવાર) ૭૧ માં પ્રજાસત્તાક પર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે કોમર્સ કોલેજના મેદાન પર ધ્વજ વંદન કરાવ્યું હતું. એમણે શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓ ને આદર અંજલિ આપી હતી અને નાગરિકોને વિશ્વમાં અજોડ ભારતીય બંધારણના અમલીકરણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
એમણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે ખેડૂતોને વાવેતર સમયે આર્થિક મુશ્કેલીઓ અનુભવવી ના પડે એ માટે ભારત સરકારે કિસાન સન્માન નિધીની યોજના અમલમાં મૂકી કિસાનોનું સશક્તિકરણ કર્યું છે.તેના હેઠળ ગુજરાતના ખેડૂતોના ખાતામાં અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયા અત્યાર સુધીમાં જમા થયા છે.
ડભોઇ નજીક વિશ્વની સહુ થી વિરાટ સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપનાનો ઉલ્લેખ કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેના પગલે ડભોઇને પ્રવાસન વિકાસના લાભો મળશે અને ડભોઇનું નામ વિશ્વ પ્રવાસનના નકશામાં અંકિત થશે.
૩૭૦/૩૫ એ ની કલમોની નાબૂદી થી સ્વતંત્રતાના ૭૦ વર્ષ પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે કાશ્મીરને સંપૂર્ણપણે ભારત સાથે જોડ્યું છે એના માટે અભિનંદન આપતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના આ બે સપૂતોએ સરદાર સાહેબનું અખંડ ભારતનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.
સી. એ. એ.નો કાયદો કોઈની નાગરિકતા છીનવવા માટે નથી એવી જાણકારી આપતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ કાયદાથી પાકિસ્તાન જેવા દેશોમાં અત્યાચારો અને અસુરક્ષા થી ત્રાસીને દેશમાં આવેલા અને શરણાર્થી તરીકે નાગરિક અધિકારોથી વંચિત હાલતમાં જીવતા હિન્દુ,જૈન,શીખ,ખ્રિસ્તી,પારસી સમુદાયોને દેશની નાગરિકતા અને નાગરિક અધિકારો મળ્યા છે.આ કાયદા અંગે ફેલાવવામાં આવી રહેલી ગેર સમજણોથી ગેર માર્ગે ન દોરવાતા ગુજરાતના સવા છ કરોડ લોકો દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને પ્રચંડ સમર્થનની અનુભૂતિ કરાવે એવો એમણે અનુરોધ કર્યો હતો
તેમણે જણાવ્યું કે નરેન્દ્રભાઇના નેતૃત્વ હેઠળ દેશને વિશ્વમાં નામના મળી છે.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના સુકાનીપદ હેઠળ ગુજરાતની વિકાસ યાત્રા સતત આગળ વધી રહી છે.વિદ્યાર્થિનીઓને ઉચ્ચ શિક્ષણમાં ફી માફી અને રાહતના લાભો સહિત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ,ટેબ્લેટ સહિત અનેકવિધ શિક્ષણ પ્રોત્સાહક લાભો આપવામાં આવી રહ્યા છે.
તેમણે વડોદરાની શિક્ષણ,ઉદ્યોગો સહિતની બહુ ક્ષેત્રીય પ્રગતિને બિરદાવી હતી અને વિકાસમાં યોગદાન માટે સરકારી કર્મયોગીઓને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે દિવ્યાંગોએ શિવ તાંડવ નૃત્ય, બાળકોએ યોગ નિદર્શન,પોલ મલખંભ ના કરતબો,ઓપરેશન શૌર્યનું રોમાંચક નિદર્શન સહિતના બેનમૂન સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા.જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ કાર્યક્રમો અને પ્રજાસત્તાક પર્વની નમૂનેદાર ઉજવણી માટે નાયબ મુખ્યમંત્રીશ્રી એ શ્રીમતી શાલિની અગ્રવાલ અને ટીમ વડોદરાને અભિનંદન આપવાની સાથે કલેકટરશ્રીના નેતૃત્વ હેઠળ જિલ્લાના વિકાસની થઈ રહેલી કામગીરીની પ્રસંશા કરી હતી. વિવિધ ખાતાઓએ ટેબ્લોઝ દ્વારા સરકારની યોજનાઓની ઝાંખી કરાવી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ડભોઇ તાલુકાના વિકાસને પ્રોત્સાહિત કરવા વિશેષ ઈનામ રૂપે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા વ્યક્તિઓ અને જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી. રાવલ સહિત વિવિધ ખાતાઓના કર્મયોગીઓનું નાયબ મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું. સામાજિક વનીકરણ વિભાગના આયોજન પ્રમાણે નાયબ મુખ્યમંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્વતંત્રતા સેનાની પરિવારના ચંપાબહેનનું સન્માન કરવાની સાથે ખબર અંતર પૂછ્યા હતા. સખી મંડળોને રિવોલ્વીંગ ફંડના ચેક્સ આપવામા આવ્યા હતા.
બેટી બચાવો,બેટી પઢાઓ અભિયાન હેઠળ દીકરીઓને સ્વસુરક્ષા માટે સુસજ્જ કરવા માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમબદ્ધ ૩૦૦ કિશોરીઓએ તેની ક્ષમતાઓનું સાહસિક નિદર્શન રજૂ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા આયોજિત રક્તદાન શિબિરના રક્તદાતાઓની સેવા ભાવનાને બિરદાવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી ગીતાબહેન રાઠવા,મનસુખભાઈ વસાવા,ડભોઇના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા,પૂર્વ ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ પટેલ, સી.એમ. પટેલ, દિલુભા ચુડાસમા, જિલ્લ પંચાયત અધ્યક્ષ ઇલાબા ચૌહાણ અને નગર પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત પદાધિકારીઓ અને અગ્રણીઓ, જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, જિલ્લા પોલીસ વડા શ્રી દેસાઈ, નિવાસી અધિક કલેકટર દિલીપ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ જન સમુદાય આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો હતો.